જનમાનસમાં સ્વચ્છતાનું સર્જન કરવા હાકલ

જનમાનસમાં સ્વચ્છતાનું સર્જન કરવા હાકલ
ભુજ, તા. 16 : અત્રે અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના ચાર તાલુકામાંની 350 શાળામાં વર્ષ 2016થી શરૂ કરેલા સ્વચ્છાગ્રહ પ્રોજેક્ટનું સંબંધિત શાળાઓને હસ્તાંતર કરવા અંગે આયોજિત કાર્યક્રમમાં વિવિધ વક્તાઓએ સ્વચ્છતા સંદર્ભે સૂર વ્યક્ત કરતાં કહ્યું કે, શાળામાં અભ્યાસક્રમ જેટલું જ મહત્ત્વ સ્વચ્છતાનું છે.અદાણી મેડિકલ કોલેજના વ્યાખ્યાન ખંડમાં ઉપસ્થિત અધિકારીઓ, વિવિધ શાળાના બાળકો અને શિક્ષકોને ઉદ્બોધન કરતાં કચ્છના તાલીમી સનદી અધિકારી અપર્ણા ગુપ્તાએ જણાવ્યું કે, જનમાનસમાં સ્વચ્છતા સંસ્કૃતિનું સર્જન કરવા અને તેના અર્થપૂર્ણ પરિણામ માટે બાળકોની સહભાગિતા જરૂરી છે. બાળકો શાળાના માધ્યમ દ્વારા  પોતાના ઘરથી લોકો સુધી વાત લઈ જવાના સાચા વાહકો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના ભુજ, મુંદરા, અંજાર અને ગાંધીધામ તાલુકામાં શરૂ થયેલા આ સ્વચ્છાગ્રહ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો અને શિક્ષકોને ખાસ તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરી ત્રણ વર્ષમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર શાળાઓને પુરસ્કૃત કરતાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિ અને જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જી.કે. જનરલના ચીફ મેડિકલ સુપરિ. ડો. એન.એન. ભાદરકા ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છાગ્રહ પ્રેજેક્ટના રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર જિજ્ઞેશ વિભાંડીકરે જણાવ્યું હતું કે સ્વચ્છાગ્રહ દેશમાં જુદા-જુદા સ્તરે અમલમાં છે. કચ્છની સાથે પ્રથમ શાળામાં અમલમાં મૂકવામાં આવ્યો હતો. 19 રાજ્યોની 5700 શાળાઓમાં આ પ્રોજેક્ટ કાર્યરત બનાવવામાં આવ્યો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહથી પ્રેરાઈને સ્વચ્છતાના આ કાર્યક્રમને જનઆંદોલનમાં ફેરવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી. આભારદર્શન ફાઉન્ડેશનના સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે કર્યું હતું. આયોજન ભુજ સ્થિત ફાઉન્ડેશનના હેડ કિશોર ચાવડાએ સંભાળ્યુંહતું. હવેથી આ 350 શાળાઓ જાતે જ સ્વચ્છતા ઝુંબેશ ચલાવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer