લઘુ અખબારોના સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર

લઘુ અખબારોના સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર
ભુજ, તા. 16 : લઘુ અખબારોના સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકયો. આ અવસરે નાના અખબારોને નડતા પ્રશ્નો માટે સરકાર સાથે હકારાત્મક અભિગમ અપનાવી તેનો ઉકેલ લાવવાની દિશામાં સંગઠન સક્રિયપણે કાર્ય કરી પત્રકારોના હિતને પ્રાધાન્ય આપી સંગઠન ઢાલ તરીકે કામ કરશે તેવો વિશ્વાસ રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવ દત્ત ચંદોલાજીએ વ્યકત કર્યો હતો. એસો. ઓફ સ્મોલ એન્ડ મિડિયમ ન્યૂઝ પેપર ઓફ ઇન્ડિયાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે  આયોજિત થઇ હતી. પ્રારંભે યજમાન યુ.પી. રાજ્ય સંગઠન દ્વારા સૌને આવકાર આપી સન્માન કરાયું હતું. સંગઠનના દેશભરમાંથી હાજર રાજ્ય પ્રતિનિધિઓએ કામગીરી પર પ્રકાશ પાડયો હતો અને સંગઠનના વિસ્તાર માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. સભાપતિ અને સિનિયર સભ્ય અશોક ચતુર્વેદિએ સૂચનો કર્યા હતા. રાષ્ટ્રીય મહાસચિવ શંકર કતીરાએ વર્તમાન સમયમાં નાના અખબારોને વિજ્ઞાપન અને રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝ પેપર ઓફ ઇન્ડિયા તેમજ પોસ્ટ ખાતા દ્વારા વિના કારણ કરાતી પરેશાની બાબત ઉગ્ર રજૂઆત કરી નીવેડો લાવવા પર ભાર મૂક્યો હતો તેમજ આગામી 2020ના વર્ષને સંગઠન વર્ષ જાહેર કરી દેશભરમાંથી વધુને વધુ સભ્યો બને તે માટે આહવાન કર્યું હતું. ઉપરાંત લઘુ અખબારોને લાગુ પડતા જીએસટીને દૂર કરવા ઉગ્ર રજૂઆત કરાઇ હતી. રાજ્ય પ્રમુખ મયૂર બોરીચાએ  સંગઠનને મજબૂત બનાવવા થતી કામગીરી અંગે જણાવ્યું હતું. મિટિંગમાં ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, આસામ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યમાંથી લઘુ અખબારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગુજરાતના બે પત્રકારો માતૃછાયાના તંત્રી ખેમચંદભાઇ સોલંકી અને સ્વરાજના તંત્રી જિતેન્દ્રભાઇ મહેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.આ મિટિંગમાં રાષ્ટ્રીય સભ્ય જિતેશ મણિયાર અને દર્શનકુમાર ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer