ગાંધીધામની સબ રજિસ્ટ્રાર કચેરીમાં નેટ અને કોમ્પ્યૂટરની ખરાબી બની મુશ્કેલી

ગાંધીધામની સબ રજિસ્ટ્રાર કચેરીમાં નેટ અને કોમ્પ્યૂટરની ખરાબી બની મુશ્કેલી
ગાંધીધામ, તા. 16 : અહીંની સબ રજિસ્ટ્રાર કચેરીમાં છેલ્લા લાંબા સમયથી જીસ્વાનની સેવામાં ક્ષતિઓ અને કોમ્પ્યૂટર જેવા વિજાણું યંત્રોમાં ખોટીપો સર્જાતાં મંદીના આવા સમયમાં  દુકાન, મકાન, જમીન વેચનારા લોકો પરેશાન થઇ રહ્યા છે. અહીંની સબ રજિસ્ટ્રાર કચેરીમાં લોકો પોતાના મકાન, દુકાન કે જમીન અંગે દસ્તાવેજ કરાવવા જાય ત્યારે જીસ્વાન કે ઇન્ટરનેટની આવન-જાવનથી લોકો હેરાનગતિ અનુભવી રહ્યા છે. આવી સેવા ચાલુ થાય તે માટે લોકો કલાકો સુધી અહીં રાહ જોઇને બેસી રહેતા હોય છે. છેલ્લા લાંબા સમયથી આવી પરિસ્થિતિના કારણે લોકો અને જમીન, મકાન લે-વેંચનું કામ કરતા દલાલો (એજન્ટ) સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઓછામાં પૂરું આ કચેરીમાં રહેલાં કોમ્પ્યૂટર, થમ્બ મશીન, સ્કેનર, પ્રિન્ટર વગેરેની મરંમત માટે જે ખાનગી કંપનીને  ઠેકો (કોન્ટ્રાક્ટ) આપવામાં આવ્યો છે, તે કંપની પણ બંધ થઇ ગઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. હવે આવા વિજાણું યંત્રમાં ભારે ખોટીપો સર્જાય છે, ત્યારે લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે. અનેક લોકો મુંબઇ, દિલ્હી, અમદાવાદ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે જગ્યાએથી અહીં આવીને જમીનો લેતા અથવા વેચતા હોય છે ત્યારે આવા ખોટીપાના કારણે બહારથી આવેલા લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે આ અંગે યોગ્ય કરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer