ભારત-પાકની અભ્યાસ મેચનો આઇસીસીનો વિચાર

નવી દિલ્હી, તા. 16 : આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં આઈસીસી વિશ્વ ટી20 કપ રમાવાનો છે. ટી20 વિશ્વકપ પહેલા ચાહકો વચ્ચે રોમાંચ વધારવા માટે આઈસીસી ભારત અને પાકિસ્તાન વચ્ચે એક અભ્યાસ મેચ કરાવવા ઈચ્છે છે.  ટૂર્નામેન્ટનું ટાઈમટેબલ હજી નક્કી કરવામાં આવ્યું નથી પણ 18 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ટૂર્નામેન્ટ પહેલા આઈસીસી ભારત અને પાકિસ્તાનને આમને સામને જોવા માગે છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ આઈસીસીની ગવર્નિંગ બોડી પુરી રીતે સહમત છે પણ હવી બીસીસીઆઈ સુધી કોઈ વાતચીત થઈ નથી. તેમજ બીસીસીઆઈ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વોર્મઅપ મેચ માટે સહમત થાય તેવી આશા પણ ઓછી છે. ભારત અતે પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષિય ક્રિકેટ બંધ છે. બન્ને દેશો વચ્ચે તનાવને દ્વિપક્ષિય સંબંધો વણસ્યા છે. બન્ને ટીમો વચ્ચે માત્ર આઈસીસી ઈવેન્ટમાં જ મેચ જોવા મળે છે. વર્ષની શરૂઆતે પુલવામા હુમલા બાદ વિશ્વકપમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ રદ કરવાની માગણી ઉઠી હતી. જો કે 14 જુનના મુકાબલામાં ભારતે એકતરફી મુકાબલામાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે અંતિમ દ્વિપક્ષિય શ્રેણી 2012-13માં ભારતમાં રમાઈ હતી. પાકિસ્તાને આ શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી. ત્યારબાદ બન્ને દેશો વચ્ચે ક્રિકેટ મેચ 2013 ચેમ્પિયન્સ ટ્રોફી, 2014 ટી20 વિશ્વકપ, 2015 વિશ્વકપ, 2016 ટી20 વિશ્વકપ અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે જ રમાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer