વિવિધ કિસ્સામાં પોલીસ કર્મીઓ પર તવાઇ

છાપી તેલ પ્રકરણમાં કચ્છના વતની  ફોજદાર સહિત છ જણ ફરજમોકૂફ - ભુજ, તા. 16 : ચાર પોલીસ જિલ્લાને સાંકળતી સરહદ રેન્જ કચેરીના રેપિડ રિસ્પોન્સ સેલની ટુકડી દ્વારા ગત સોમવારે પડોશી જિલ્લા બનાસકાંઠામાં છાપી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં તેલચોરી બાબતે પડાયેલા ગુણવતાસભર દરોડાના `છાંટા' સ્થાનિક પોલીસબેડા ઉપર ઊડયા છે. રેન્જ સ્તરેથી આ મામલામાં સ્થાનિકોની મિલીભગતને ગંભીરતાથી લઇ છાપી પોલીસ મથક અને બનાસકાંઠા સ્થાનિક ગુનાશોધક શાખાના મૂળ કચ્છના વતની એવા એક ફોજદાર સહિત છ જણને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરી દેવાયા છે. રેન્જના વડા પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી દ્વારા સમગ્ર પ્રકરણની તલસ્પર્શી વિગતો મેળવી સ્થાનિકોની આંખ આડા કાન કરવાની નીતિ સહિતના પરિબળોને કેન્દ્રમાં રાખીને પોલીસ સ્ટાફના છ સભ્યને કલમના એકીઝાટકે સસ્પેન્ડ કરતો આ આદેશ કર્યો હતો. જેને લઇને અસામાજિક તત્ત્વો અને પ્રવૃત્તિ કરનારાઓ સાથે `ઘરોબો' ધરાવનારામાં ભારે ફફડાટ મચી ગયો છે. સત્તાવાર સાધનો પાસેથી મળેલી માહિતી અનુસાર બનાસકાંઠાના એસ.પી. દ્વારા જેમને ફરજમોકૂફ કરવાનો આદેશ કરાયો છે તે છ જણમાં છાપી પોલીસ મથકના ફોજદાર આઇ.એચ.હિંગોરા તથા સહાયક ફોજદાર ગણપત ભીખાભાઇ, કોન્સ્ટેબલ ધીરેનકુમાર હીરાલાલ અને મહેશભાઇ હરિભાઇ તથા એલ.સી.બી.ના બે કર્મચારીનો સમાવેશ થાય છે.  આર.આર. સેલએ દરોડો પાડી 45 લાખનો ગફલો પકડયો તે પહેલાં આ સ્થળે સ્થાનિક એકમે દરોડો પાડી નીલરેડ બતાવી હતી. જે બદલ આ આકરાં પગલાં લેવામાં આવ્યાં છે. ફરજમોકૂફ કરાયેલા ફોજદાર હિંગોરા કચ્છના વતની છે અને કચ્છમાંથી જ પરીક્ષા પાસ કરી પી.એસ.આઇ. તરીકે નિમણૂક પામ્યા હતા. 


રાપરમાં પાંચ પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવા આદેશ -
ગાંધીધામ, તા. 16 : રાપર નગરમાં એક યુવાનના સંબંધીની દુકાનમાં તોડફોડ કરી આ યુવાનનું અપહરણ કરી તેને માર મારવાના બનાવમાં રાપરના પોલીસ મથકના પાંચ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોર્ટે હુકમ કર્યો હતો. રાપરમાં રહેતો તુલસી નારાણ કોળી નામનો યુવાન પોતાના ભત્રીજા ઘનશ્યામ સામજી કોલીની ચાની હોટેલે ગયો હતો. આ યુવાન પોતાના ભત્રીજાને ટિફિન આપવા ગયો હતો. જ્યાં રાપર પોલીસ મથકના અમુક પોલીસ કર્મીઓ ધોકા લઇને આવ્યા હતા અને ચાની આ હોટેલમાં તોડફોડ કરવા લાગ્યા હતા. શા માટે તોડફોડ  કરો છો તેવું આ યુવાને પૂછતાં તેને તથા અન્યોને પણ માર મારવામાં આવ્યો હતો. આ પોલીસ કર્મીઓ તુલસી કોળીનું અપહરણ કરીને તેને પોલીસ મથકે લઇ જઇ તેના ઉપર લાકડીઓ વડે તૂટી પડયા હતા. દરમ્યાન આ યુવાનને ઇજાઓ થતાં આ ભોગ બનનાર પાટણ ખાતે સારવાર અર્થે ગયા હતા. જ્યાં તેને અસ્થિભંગ સહિતની  ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના આવા અમાનવીય વર્તન બદલ રાપર પોલીસ મથકના દલસુખ કાનાણી, સુરેશ ચૌધરી, જેઠાલાલ રબારી, અશ્વિન ઠાકોર, રવિ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરાવવા આ યુવાને અનેક જગ્યાએ રજૂઆતો, ફરિયાદો કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતાં અંતે તેણે રાપર કોર્ટનો આશરો લીધો હતો. આ પ્રકરણમાં તમામ આધાર પુરાવા ચકાસી ન્યાયાધિશે આ પાંચેય પોલીસ કર્મીઓ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવા હુકમ કર્યો હતો. આ ફરિયાદી યુવાનના વકીલ તરીકે ધારાશાત્રી હેતલકુમાર જે. સોનપાર અને વિનોદ જી. મકવાણા હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer