40 કરોડ જેટલી યોજનાકીય ગ્રાન્ટના અભાવે જિલ્લાના આરોગ્યકર્મીઓના ભથ્થાં અટક્યાં

ભુજ, તા. 16 : જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની રૂા. 40 કરોડ જેટલી યોજનાકીય ગ્રાન્ટ ન આવતાં દિવાળીના સપરમા દિવસોમાં કર્મચારીઓના ભથ્થાં અટકી જવાથી ગણગણાટ ફેલાયો છે. જોકે, જિલ્લા વિકાસ અધિકારીની ગાંધીનગર કક્ષાએ રજૂઆત બાદ તુરતમાં ચૂકવણું કરી દેવાની તંત્ર દ્વારા હૈયાધારણ આપવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં માતૃવંદના તેમજ અન્ય યોજનાકીય ખર્ચ માટેની રૂા. 40 કરોડની ગ્રાન્ટ ન આવતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ભાડે રખાયેલા વાહનો અન્ય કર્મચારીઓના પ્રવાસ ભથ્થાં વગેરે અટકી જતાં દિવાળીના તહેવારો ટાણે ગણગણાટ ફેલાયો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ રૂા. 40 કરોડની ગ્રાન્ટ આવશે તો તે હાલ સરભર થશે. જ્યારે હવે પછીના ખર્ચ માટે ફરી ભથ્થાં અટકી જવાની પણ શંકા વ્યકત થઇ રહી છે. આ ગ્રાન્ટ અટકવા પાછળ સૂત્રો ઉમેરે છે કે, હિસાબી શાખા અને કુટુંબ કલ્યાણ શાખાના સિનિયર ક્લાર્ક દ્વારા વાર્ષિક બજેટ અને માસિક ખર્ચ પત્રકો સમયસર તૈયાર કરી ગાંધીનગર કક્ષાએ ન મોકલવાના કારણે ગ્રાન્ટ અટકી જાય છે. જેનો ભોગ કર્મચારીઓ બનતા હોવાનો પણ આક્ષેપ ઊઠયો છે. સમયસર યોજનાકીય ખર્ચનું બજેટ ન બનતાં આ શાખાની ગ્રાન્ટ માઇનસમાં જતાં આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. જોકે, આ બાબતે  ઉચ્ચ અધિકારીઓના પૂછાણા પણ ગાંધીનગર કક્ષાએથી લેવાયા હોવાનું જાણવા મળે છે. આ બાબતે વહીવટી અધિકારી શ્રી ગામીતનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ માસથી ગ્રાન્ટ અટકી જાય છે.  જેમાં પગાર બિલો અને ડીઝલ, ટેલિફોનના બિલો નથી અટકાવાયા, પરંતુ ફિલ્ડ વર્કરના કર્મચારીઓના ટીએ બિલ, એલટીસી, રજા પગાર તથા પરચૂરણ ખર્ચ જેવા ભથ્થાં અટક્યાં છે. જોકે, આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીનું ધ્યાન દોરવામાં આવતાં તેમણે આરોગ્ય કમિશનર ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરતાં હકારાત્મક જવાબ બાદ તુરતમાં  આ ચૂકવણા કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય શાખાના જિલ્લાભરમાં અંદાજે 1500થી 1600 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમને પગાર સહિત અંદાજે અઢી કરોડ જેટલી ગ્રાન્ટની જરૂર પડે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer