પૂર્વ કચ્છ પોલીસના દારૂ ઉપર ચાર દરોડા

ગાંધીધામ, તા. 16 : પૂર્વ કચ્છ પોલીસ દારૂ સંબંધી ગુના શોધવા સફાળી જાગી હોય તેમ પોલીસે ચાર જુદા-  જુદા દરોડા પાડયા હતા. રાપરનાં કીડિયાનગરમાંથી રૂા. 10,73,100નો મોટો જથ્થો ઝડપાયો હતો તો ભચાઉમાં રૂા. 26,400નો બીયર, વોંધમાં રૂા. 4000નો શરાબ અને ગાંધીધામના ગળપાદરમાંથી રૂા. 1750નો દારૂ કબ્જે લેવામાં આવ્યો હતો. પોલીસના આ ચાર દરોડા દરમ્યાન ચાર આરોપી સકંજામાં આવ્યા નહોતા જ્યારે બે શખ્સને દબોચી લેવામાં આવ્યા હતા.રાપરનાં કીડિયાનગર ગામમાં ગત મોડી રાત્રે આડેસર પોલીસે પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો. આ ગામમાં જૂની આંગણવાડી પાસે ગાગોદર બાજુ જતાં રોડ ઉપર સામા ધના કોળીના અવાવરુ મકાનમાં હાલમાં પાસામાંથી છૂટેલા હરીસિંહ જોરૂભા વાઘેલા અને સમ્રથસિંહ જોરૂભા વાઘેલાએ દારૂ સંતાડયો હતો.આવી બાતમીના પગલે પોલીસ ત્યાં પહોંચી હતી અને અવાવરુ બંધ મકાનના તાળાં તોડી આ મકાનની તલાશી લેવાતાં તેમાંથી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ મકાનમાંથી 750 એમ.એલ.ની ડોલ્ફિન વ્હીસ્કીની 132 બોટલ, રોક સ્ટાર વ્હીસ્કીની 696 બોટલ, મેકડોયેલ નંબર-1ની 684 બોટલ, રોયલ ચેલેન્જરની 360 બોટલ, પાર્ટી સ્પેશિયલની 24 બોટલ તથા 180 એમ.એલ.ના 3312 કવાર્ટરિયા એમ દારૂની 227 પેટી કિંમત રૂા. 10,73,100નો શરાબનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો. આડેસર પોલીસે ટેમ્પો બોલાવી તેમાં માલ નાખી પોલીસ મથકે લઇ જવાયો હતો. પરંતુ આ બન્ને ભાઇઓ હાજર ન હોવાથી પોલીસના સકંજામાં આવ્યા નહોતા. બીજી બાજુ ભચાઉના રેલવે ફાટક પાસે અલ્ટો કારના ચાલક મહિપતસિંહ જામભા સોઢાની ધરપકડ કરવામાં આવી હતી. દારૂ લઇને નીકળેલા આ શખ્સના વાહનને રોકાવી પોલીસે તેની કારની તલાશી લીધી હતી. અને આ કારમાંથી બીયરના 264 ટીન કિંમત રૂા. 26,400નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ભચાઉનાં જ વોંધ ગામની દત્તક કોલોની મકાન નં. બી.-80ની બાજુમાં બાવળની ઝાડીમાં છાપો મારવામાં આવ્યો હતો. અહીંથી મોમાયા ઉર્ફે પપ્પુ બેચરા કોળીની અટક કરવામાં આવી હતી. જ્યારે રઝાક ફકીરા ખલીફા નામનો ઇસમ પોલીસના હાથમાં આવ્યો ન હતો. બાવળની આ ઝાડીમાંથી 750 એમ.એલ.ની 10 બોટલ તથા બીયરના પાંચ ટીન એમ કુલ રૂા. 4000નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. ચોથો દરોડો ગાંધીધામના ગળપાદરમાં હાઉસિંગ બોર્ડ ઝૂંપડા ભવાની નગર જેલની દીવાલની પાછળ પાડવામાં આવ્યો હતો. ભવાન નાનજી કોળી (ચાવડા)ના મકાનમાં પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સની ધરપકડ કરી તેની પાસેથી રૂા. 1750ની પાંચ બોટલ હસ્તગત કરવામાં આવી હતી. ઘણાં લાંબા સમય બાદ પૂર્વ કચ્છ પોલીસે દારૂ સંબંધી મોટા દરોડા પાડતાં આવા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer