કચ્છના ઉદ્યોગોમાં ફાયર સેફટીનું શું ?

ગાંધીધામ,તા.16: જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફટીના સાધનોની કડક અમલવારી મુદે વહીવટીતંત્ર દ્વારા ઉદાસીનતાભર્યું વલણ દાખવવામાં આવતું હોવાની  ફરિયાદો ઊઠી છે. મોટી ચીરઈ પાસે આવેલા એક પ્લાસ્ટિકના એકમમાં  ગઈકાલે   વિકરાળ આગ લાગી હતી પરંતુ ત્યાં અગ્નિશામક સિસ્ટમ જ  નહીં હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. થોડા મહિના અગાઉ સુરતના અગ્નિકાંડે અનેક લોકોના હૈયા હચમચાવી નાખ્યા હતા. આ બનાવને પગલે ગુજરાતભરનું વહીવટીતંત્ર એકશન મોડમાં આવી ગયું હતું અને રાજ્યભરની   હોટલ,રેસ્ટોરન્ટ,ટયૂશન કલાસ સહિતના સ્થળે ફાયર સુરક્ષાના સાધનો  સંદર્ભે ચુસ્ત  અમલવારીની દિશામાં કાર્યવાહી કરાઈ  હતી. આ વાત ધીમે-ધીમે વિસરાઈ રહી  છે.  ભૂકંપ બાદ વિકસેલા કચ્છ જિલ્લામાં  મોટી સંખ્યામાં  ઓદ્યોગિક એકમો ધમધમતા  થયા હતા. આ એકમમાં સ્થાનિક તથા પરપ્રાંતીય સહિત અનેક શ્રમિકો આજીવિકા રળી રહ્યા છે. સમયાંતરે  એકમોમાં આગના બનાવ  પ્રકાશમાં આવતા રહ્યા  છે. જેમાં  અનેક લોકોના જીવ ગયા છે અને  દાઝયા હોવાના  કિસ્સાઓ પ્રકાશમાં પણ આવ્યા  છે. તેમ છતાં એકમમાં હજારો  કર્મચારીઓની  જિંદગીને જોખમમાં મૂકીને પૂરતા પ્રમાણમાં  ફાયર સેફટીના સાધનો ગોઠવવાના મુદે જાગૃતિ દાખવવામાં આવતી જ નથી. ગઈકાલે ચીરઈ પાસે આવેલી પ્લાસ્ટિન ઈન્ડિયા કંપનીમાં વિકરાળ આગ લાગી હતી . આ સ્થળે ફાયર સેફટીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા  સંદર્ભે   ફાયર રિજનોયનલ  ઓફિસર એ.વી.ખેરનો સંપર્ક કરતાં  તેમણે  ફાયર સિસ્ટમ ત્યાં ન હોવાનું કબૂલ્યું હતું. આટલું મોટું પ્લાસ્ટિકના  એકમ હોવા છતાં ફાયર  એન.ઓ.સી. ન લેવાઈ  હોવાનું તેમણે ઉમેર્યું હતું. એકમોનું લાયન્સ રિન્યુ કરતી વેળાએ સુરક્ષાના  આ મુદાને ધ્યાને   લેવાય છે કે કેમ  તેવા પ્રશ્નો ઊઠયા છે. ટૂંકમાં  હજારો શ્રમિક લોકોને રોજગારી  આપતી  કંપનીઓમાં  અગ્નિશમનના આયોજન વ્યવસ્થાના અભાવે જો  આગ  લાગી  તો  માનવ   જિંદગી ઉપર  પૂર્ણવિરામ  મૂકી  દેશે તેવું વર્તમાન સંજોગો ઉપરથી લાગી રહ્યુંy છે.  કંપનીમાં  કામ કરતા મજૂરો ઉપરાંત  આજુબાજુમાં રહેતા સામાન્ય લોકોને પણ જીવ ખોવાનો વારો આવશે. લોકોની સુરક્ષાના મુદે તંત્ર દ્વારા   યોગ્ય  દિશામાં  પગલાં ભરવામાં  આવે તેવી માંગ ઊઠી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer