જૂની તારીખોના વાહન દંડની વસૂલાત નવા દંડ મુજબ નહીં

ભુજ, તા. 16 : કેન્દ્ર સરકાર સ્તરે કડક દંડની જોગવાઈ સાથેના મોટર વાહન કાયદાના અમલીકરણ બાદ દંડને થોડો હળવો કરી તેનો 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં સ્વીકાર થયો તે સાથે જ અનેક વાહનધારકો મસમોટી રકમ સાથે દંડાતા થયા હતા. જો કે કચ્છ સહિતની અનેક આરટીઓમાં જૂની તારીખોમાં દંડિત થયેલા લોકો પાસેથી પણ નવી રકમનો દંડ વસૂલવામાં આવતાં કચવાટ સર્જાયો હતો જો કે આખરે આજે રાજ્ય સરકારના પરિવહન મંત્રાલયે એક પરિપત્ર બહાર પાડી રાજ્યમાં નવા કાયદાની જોગવાઈ અમલી બની તે પહેલાં થયેલા દંડમાં જૂના દંડ અનુસાર પગલાં ભરવાની સૂચના અપાઈ છે. મળતી વિગતો મુજબ નાયબ સચિવ પ્રકાશ મજુમદારની સહી ધરાવતા આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં 16સપ્ટેમ્બર પહેલાં આચરવામાં આવેલા વાહન નિયમ ભંગના ગુનાઓમાં દંડની રકમ પાંચમી ફેબ્રુઆરી 2016ના પરિપત્ર અનુસાર લેવાની રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા થઈ ન હોવાથી આરટીઓમાં જૂની તારીખોમાં થયેલા દંડમાં પણ નવી જોગવાઈઓ મુજબ દંડ વસૂલાતો હતો અને તેને કારણે ભારે ઉહાપોહ પણ મચ્યો હતો. હવે રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટતા આવી જતાં એક મોટા વર્ગને મોટી રાહત મળવાની સંભાવના છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer