ભુજની સિટી મામલતદાર કચેરીને જૂની મામલતદાર કચેરી ખસેડવા માંગ

ભુજ, તા. 16 : સિટી મામલતદાર કચેરી માટે જૂની મામલતદાર ઓફિસમાં રૂમોની ફાળવણી થઇ ગઇ હોવા છતાં તેને કાર્યરત કરવા કોઇ નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. આ માટે કયો ગ્રહણ નડે છે તેવા સવાલ  કરાયા છે. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું છે કે, અત્યારે વર્તમાન સમયમાં સિટી મામલતદાર કચેરી ભુજ માટે એક મામલતદાર, 2 નાયબ મામલતદાર, 2 કારકૂન તથા 1 પટ્ટાવાળાની જગ્યા મંજૂર થયેલી છે. જૂની મામલતદાર કચેરીમાં સિટી મામલતદાર કચેરી માટેના રૂમોની ફાળવણી થઇ ગઇ હોવા છતાં પણ આજની તારીખે નવી બનેલી મામલતદાર કચેરીમાં સિટી અને ગ્રામ્ય મામલતદારની કચેરીમાં  એક જ જગ્યાએ   બેસીને વહીવટ ચલાવવામાં  આવે છે. જેમાં લોકોને તેમની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે અને 15મિનિટમાં થતા કામને અડધો દિવસ લાગે છે જેથી સમયનો વ્યય થાય છે. સિટી મામલતદાર કચેરીમાં આવકના તમામ દાખલા, વિધવા સહાય, વૃદ્ધ સહાય, જમીનની શરતભંગ, લાઉડ સ્પીકર મંજૂરી, ફટાકડા દુકાનની મંજૂરી, પુરવઠા વિભાગની કામગીરી, દબાણ હટાવવાની કામગીરી, સર્કલ ઓફિસરની તમામ કાર્યવાહી જેવી ઘણી કામગીરી કરવાની થતી હોય છે. હાલમાં નવી મામલતદાર કચેરીમાં સિટી તેમજ ગ્રામ્ય મામલતદારના અરજી સ્વીકારવા માટે એક જ બારી રાખવામાં આવી છે. જેના પર અરજદારોનો મોટો ધસારો થાય છે અને કામગીરીમાં અવ્યવસ્થાના કારણે વિલંબ થાય છે. કચ્છમાં ગ્રામ્ય વિસ્તારનો વ્યાપ ખૂબજ મોટો છે.  જેથી વહેલી તકે જૂની મામલતદાર ઓફિસમાં ફાળવાયેલા સિટી મામલતદાર માટેના રૂમોમાં તાત્કાલિક ધોરણે દિવાળી પહેલા?ફેરવણી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. આ રજૂઆતમાં રાજેન્દ્રસિંહભાઇની સાથે કોંગ્રેસના જિલ્લા પ્રવકતા ગનીભાઇ કુંભાર તથા નગરસેવકો ફકીરમામદભાઈ કુંભાર, કાસમભાઇ સમા,જિલ્લા કોંગ્રેસ મંત્રી હાસમભાઇ સમા અને માજી નગરસેવક મુસ્તાકભાઇ હિંગોરજા જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer