નવ બાઇકની ઉઠાંતરી કરનારી ટોળી સકંજામાં

ભુજ, તા. 16 : જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી પાંચ બુલેટ સહિત કુલ નવ મોટર સાઇકલની ઉઠાંતરી કરનારી ટોળકી સુધી પદ્ધર પોલીસ પહોંચી હતી. ટોળીના સૂત્રધાર તાલુકાના જૂની ધાણેટી ગામના કાનજી વાલજી છાંગા નામના 23 વર્ષીય યુવાનની ધરપકડ કરી   તેની પાસેથી સાત ચોરાઉ     મોટર સાઇકલ કબ્જે કરાઇ છે.    તો તેના સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી જૂની ધાણેટીના પટેલ ફળિયામાં રહેતા કાનજી છાંગાએ પોલીસ સમક્ષ એવી કેફિયત આપી છે કે તેણે નાડાપા ગામના રાજેશ ભુરાભાઇ ફફલ તથા ઉખડમોરા ગામના સગીર વયના એક છોકરાં સાથે મળી ભુજ, અંજાર, ગાંધીધામ, મારીંગણા વગેરે જગ્યાએથી કુલ નવ બાઇકની ચોરી કરેલી છે જેમાં ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર નાલંદા એપાર્ટમેન્ટ નીચેથી એકસાથે યામાહા અને હોન્ડા બાઇક ચોરાઇ હતી. પોલીસ સાધનોએ આ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપી યુવાનો કોઇ કામધંધો કરતા ન હોવાથી માત્ર મોજમજા માટે આ રવાડે ચડયા હતા.યુ-ટયુબ જેવા માઘ્યમોથી વાહનોના લોક ખોલવાનો અને વાહનો ડાયરેકટ કરવાનો કીમિયો જાણ્યા બાદ તેને અમલમાં    તેમણે મૂકયો હોવાનું પણ પૂછતાછમાં બહાર આવ્યું છે. તો ચોરાઉ વાહનોની બાદમાં વેંચસાટ પણ તેમના દ્વારા કરાતી હતી. પકડાયેલા આરોપી પાસેથી સાત ચોરાઉ બાઇક કબ્જે કરાઇ છે.ગુનાશોધનની આ કાર્યવાહીમાં પદ્ધરના ફોજદાર વી.એચ. ઝાલા સાથે સ્ટાફના કાનજીભાઇ જાટિયા, પૃથ્વીરાજાસિંહ રાણા વગેરે જોડાયા હતા. પકડાયેલા આરોપીના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઇ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer