માંડવી તાલુકાના `વગદાર'' આગેવાને વિકલાંગ યુવતીનું પાંચ વર્ષથી જાતીય શોષણ કર્યું

ભુજ, તા. 16 : સરકારી જી.કે. જનરલ હોસ્પિટલમાં નોકરી અપાવી દેવાના બહાને પરિચયમાં આવેલી માંડવી તાલુકાની એક યુવતીનું છેલ્લા પાંચ વર્ષથી માંડવી તાલુકાના જ એક આગેવાન શખ્સ દ્વારા વારંવાર દુષ્કર્મ સાથે જાતીય શોષણ કરાયું હોવાનો મામલો પોલીસના દ્વારે  પહોંચ્યો છે. અલબત્ત આ પ્રકરણમાં હજુ વિધિવત ગુનો દાખલ થયો નથી.માંડવીના પોલીસ ઇન્સ્પેક્ટરને માંડવી તાલુકાના એક ગામની શારીરિક રીતે અપંગ એવી યુવતીએ આપેલી વિસ્તૃત ફરિયાદ અરજીમાં છેલ્લા પાંચ વર્ષનો સમગ્ર ઘટનાક્રમ વર્ણવાયો છે. જવાબદાર શખ્સ સામે યોગ્ય કાયદાકીય પગલાં લેવાય તેવી અરજીમાં પોલીસ સમક્ષ માગણી કરાઇ છે. ફરિયાદ અરજીમાં રજૂ કરાયેલી વિગતો મુજબ ખાનગી આરોગ્ય ક્ષેત્રમાં નોકરી દરમ્યાન સરકારી માળખામાં જી.કે. જનરલ હોસ્પિટલ ભુજમાં નોકરી મેળવવાની ઇચ્છાને લઇને રાજકીય વગ ધરાવતા પોતાની જ જ્ઞાતિના શખ્સના પરિચયમાં આવ્યા બાદ આ શખ્સે તે સમયના ધારાસભ્ય અને ભુજની હોસ્પિટલના તબીબ સાથે મેળાપ કરાવ્યા પછી પોત પ્રકાશ્યું હતું. માંડવીની જૈન ધર્મશાળા ખાતે બોલાવીને પ્રથમ વખત બળજબરી સાથે કરાયેલું દુષ્કર્મ બાદમાં ભુજ સહિતના સ્થળોએ પાંચ વર્ષ સુધી અવિરત રહ્યું હતું. વીડિયો અને ફોટા વાયરલ કરવાની તથા પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકીઓ આપવા સાથે જવાબદાર શખ્સે જાતીય    શોષણ અવિરત રાખ્યાનો આરોપ ફરિયાદ અરજીમાં   મુકાયો છે. જેની સામે અરજી પોલીસને અપાઇ છે તે આગેવાન મનાતો શખ્સ અગાઉ પણ આવા જ કિસ્સામાં આવી ચૂકયો હોવા સહિતની વિગતો પણ પોલીસને અપાઇ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer