ભચાઉ-દુધઇ રસ્તે ઝાડ સાથે કાર ભટકાતાં યુવાનનું મૃત્યુ

ગાંધીધામ, તા. 16 : ભચાઉ-દુધઇ રોડ ઉપર પટેલ સિમેન્ટ ફેક્ટરી સામે ઝાડ સાથે કાર ભટકાતાં ભાગ્યશ્રી સોસાયટી વરસામેડીના સુરેશ ભેગારાઓ મોસા (ઉ.વ. 33) નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ ભચાઉમાં પોતાના ઘરે પાણીના ટાંકામાં ડૂબી જતાં પ્રેમિલાબેન પૂંજાભાઇ નિસર (ઉ.વ. 65)એ જીવ ગુમાવ્યો હતો.વરસામેડી ગામની સીમમાં આવેલી ભાગ્યશ્રી સોસાયટીમાં રહેનારો સુરેશ મોસા નામનો યુવાન મોરગર ખાતે આવેલી મોનો સ્ટીલ કંપનીમાં કામ કરતો હતો. મૂળ છતીસગઢનો આ યુવાન ગત તા. 13/10ના રાત્રે કાર નંબર જી.જે. 12-ડી.એસ. 1310વાળી લઇને કામે જઇ રહ્યો હતો. તે દરમ્યાન ભચાઉ-દુધઇ રોડ ઉપર પટેલ સિમેન્ટ ફેક્ટરી સામે તેને અકસ્માત નડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવાનની કારને કોઇ જનાવર આડું ઊતરતાં તેને બચાવવા જતાં તેની કાર લીમડાના ઝાડ સાથે અથડાઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજીબાજુ ભચાઉના માંડવી ચોક વિસ્તારમાં રહેનારા પ્રેમિલાબેન નામના વૃદ્ધાનું મોત થયું હતું. આ વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે પાણીના ટાંકાનો નળ બંધ કરવા જતાં તેમનો પગ લપસતાં તેઓ પાણીના ટાંકામાં પડયા હતા અને ડૂબી જવાથી આ વૃદ્ધાનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer