વીસીના અટકેલાં `ચક્ર''થી જૈન સમાજ બે દાયકા પાછળ ધકેલાયો
ભુજ/મુંબઈ, તા. 16 : મુંબઈ સ્થિત કચ્છી વીશા ઓશવાળ જૈન તથા વાગડવાસી જૈન માતબર પેઢીઓના માલિકો પૈકી થોડાકની આર્થિક સ્થિતિ એકાએક ડામાડોળ થતાં અને ખાસ કરીને કરોડો કરોડના આંકડાઓ ધરાવતી મોટા ઘરાનાઓને સમાવતી `વીસી'નું ચક્ર અધવચ્ચે જ વિવાદના આંટા ફરવા લાગતાં જાગેલી ચિંતામાં કચ્છની ઊંઘ હરામ થઈ ગઈ છે પણ જ્યાં આ આર્થિક પ્રકરણો વિજય માલ્યા, નીરવ મોદી કે મેહુલ ચોક્સીએ બેંકો સાથે કર્યું તેમ સમાજ સાથે આચરાયા છે તેવા મુંબઈવાસીઓના પેટનું પાણી પણ હલ્યું નથી તેવી ચોંકાવનારી વિગતો મુંબઈની જ આલિશાન સડકો પરથી વહેતી વહેતી કચ્છ સુધી પહોંચી છે. મુંબઈમાં આર્થિક ગરબડ થઈ, નાના-મધ્યમ વર્ગના નાણા સલવાયા કે ચાંઉ થયા પણ આવું કરનારાઓ આજેય નિર્દોષતાના મહોરા હેઠળ નાક ક્યાંક છુપાવીને આરામ અને મસ્તીથી જીવી રહ્યા છે અને મરણમૂડી ગુમાવનારાઓને આપઘાત કરવાનો વારો આવ્યો છે. કચ્છ સાથે મુંબઈથી સીધો નાતો ધરાવતા શ્રેષ્ઠીઓએ રીતસર આર્થિક કૌભાંડ સર્જ્યું છે અને હવે તેઓ સાફસુથરા થઈને બહાર બેસી ગયા હોવાની ચિંતા-ચર્ચા જૈન સમાજમાંજ જાગી છે અને બિદડા માર્ગેથી બહાર પણ આવી રહી છે. ઓછામાં ઓછું રૂા. બે હજાર કરોડથી માંડીને દશેક હજાર કરોડ સુધીનું ફુલેકું મુંબઈમાં ફરી ગયું છે અને કચ્છી વીશા ઓશવાળ જૈન સમાજ તથા વાગડનો જૈન સમાજ કમસે કમ 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયાની ચોંકાવનારી વિગતો મળી રહી છે. હજુ સુધી પોલીસ ચોપડાથી દૂર રહેલી આ ગુનાહિત ઘટનાઓ પરથી આયોજનબદ્ધ આર્થિક કૌભાંડ હોવાનું લગભગ પકડી ચૂકેલા જાગૃતો કહે છે કે, મુંબઈના વ્યક્તિગત ધોરણે છથી સાત કરોડના ચડાવા બોલનારા, વર્ષમાં બબ્બે વખત અમેરિકા અને પાંચ-સાત વખત થાઈલેન્ડ-મલેશિયાની ટૂર પર જનારાઓ અને એકીસાથે ત્રણ-ત્રણ `ઓડી' કે બી.એમ.ડબલ્યૂ.ના લેટેસ્ટ મોડેલ ખરીદનારાઓએ જ આખેઆખા સમાજને 20 વર્ષ પાછળ ધક્કો દીધો છે. વાગડ અને કંઠીપટના કરોડોમાં રમતા જૈનો હાથમાં આખેઆખા મુંબઈની છૂટક માર્કેટ છે અને નરસિંહરાવ વડાપ્રધાન થયા ત્યારથી આર્થિક દિશામાં દેશે જે બદલાવ લીધો ત્યારથી આ જૈન સમાજે સરકારી કે બિનસરકારી બેંકોમાં નાણાં રાખવાને બદલે સમાજમાં જ નાણાંદલાલની વ્યવસ્થા ઊભી થઈ. આજથી ત્રણ દાયકા પહેલાં પણ આવા નાણા દલાલોની પેઢીઓ નબળી પડી હતી પણ તે વખતે આ ધંધો સામૂહિક રીતે થતો અને આખા ગ્રુપમાં એકલ-દોકલ છાનગપતિયા કરી જાય તો અન્ય નિષ્ઠાવાનો એને બચાવી લેતા અને નુકસાનીનો કોળિયો પોતે હજમ કરીને કોઈને ઉની આંચ પણ નહોતા આવવા દેતા પણ 2003થી 2013ના વર્ષ દરમ્યાન એસ્ટેટ અને શેરબજારમાં તેજીનો સુવર્ણકાળ આવ્યો અને નાણા દલાલોએ ભૂમિકા બદલી અને રોકાણકાર જેવું રૂપાળું નામ સામે આવ્યું. જે બે દરવાજે કામ કરતો. એક રોકાણકાર એવા હતા જે ખુદ દલાલને નાણા આપી યોગ્ય સમયે વ્યવહારને ઉથલાવી નફો રળતા અને બીજા કોઈ અન્ય રોકાણકાર પાસેથી આવેલી મસમોટી રકમથી જાતે જ પ્રોપર્ટી ખરીદતા અને પછી એ પ્રોપર્ટીમાં ગાળો રાખી મૂળ જેના નાણાં છે તેના વિશ્વાસનો ભંગ કરી લે-વેચ કરી વચ્ચેથી જ મલાઈ ખાઈ જતા. આવા મલાઈ ખાનારાઓને આર્થિક તેજીમાં બેહિસાબ આવક થઈ. વધુ નાણાં વ્યવહાર, સંસ્થા અને સમાજને દૂષિત કરે છે એ ઉક્તિ સાચી પડી અને કરોડોના આ વિશ્વાસુ ધંધામાં એક વર્ગ એવો પણ ઊભો થઈ ગયો જે ગેરંટી મની રાખી નાણાંની દલાલીમાં પડયો અને એ જ ગેરંટી મનીના નાણાં પોતાના મૂળ ધંધા-ઉદ્યોગને બદલે અન્ય કોઈ અજાણી જગ્યાએ સાહસ કરીને એકલપંડે રોક્યા અને ત્યાં તૂટયા તેનું વિષચક્ર આજે મુંબઈમાં આપઘાતના સ્વરૂપમાં સામે આવી રહ્યું છે. `કોલે ગણે આય મેણે ધનણી આય' અર્થાત તેજીના સમયે કોઈએ મુંબઈમાં ક્યાંય પણ રોકાણ કર્યું છે તેવી માહિતી માત્ર મળતા આવા સાહસિયા ત્યાં રોકાણ કરી દેવા મંડયા. આવા વ્યવહારોમાં નફો અઢળક આવતો જોઈને સદ્ધર મધ્યમવર્ગ આકર્ષાયો અને પેઢી દર પેઢીના ચાલીના મકાનો કે બે રૂમ-બે બેડરૂમવાળા જૂના માળાના મકાનો વેચી નવા સમાજની જ કિતાબોમાં આવતી લોભામણી જાહેરાતો જોઈને ફ્લેટ ખરીદ્યા, સ્કીમોમાં જોડાયા અને ધીમે ધીમે વિષચક્ર ફરવા મંડયું. એકતરફ નાણાં દલાલો તથા આધુનિક રોકાણકારોના મોજશોખ બીજીતરફ અઢળક આવતા નાણાં થકી ચારિત્ર્યની પરીક્ષા શરૂ થઈ અને બેંગકોક, પટાયા, અમેરિકા જીત્યા, ઓપ્ટિક્સ, કેટરિંગ, નાણાં દલાલ, કન્સ્ટ્રક્શન, અનાજ, સપ્લાયર્સ એવા મૂળ ધંધાવાળાઓએ વધારાના ધંધાઓમાં બેનામી રોકાણો કર્યા અને મોજશોખ સંતોષવા હવે નહાઈ-ધોઈ, હાથ દઈને તેઓ મૂળ ધંધામાં પરત આવી ગયા છે પણ એક વર્ગે સર્વસ્વ ગુમાવી દીધું છે. એસી.સી.ના શેરમાં સતત ઉછાળો આવતો હતો ત્યારે તેના જ ચેરમેન નાની પાલખીવાળાએ રોકાણકારોને ચેતવ્યા હતા કે આ કોઈ મોટો ખેલ છે, ધ્યાન રાખજો. પણ પછી બજાર તૂટી પડી... મુંબઈમાં પણ એક માલેતુજાર પરિવારના સૌથી મોટા ભાઈએ સમાજ આખાને ચેતવ્યા હતા કે મારા ભાઈઓ કંઈક ખોટું કરે છે, સાચવજો પણ કંઈ ન થયું અને મધ્યમ વર્ગ મર્યો, મુલુન્ડમાં એક જ માલિકના છ એપાર્ટમેન્ટ અટક્યા છે. તેમાં ફ્લેટ લેવા રવિવારીય સભામાં દબાણ કર્યા હોવાનો પણ આક્ષેપ છે. બિદડા ટ્રસ્ટ સાથે સંકળાયેલા અમુકના પગ નીચે પણ રેલો આવ્યો હોવાનું કહેવાય છે. આ તમામ સમાજના ગુનેગાર છે તેવી વાણી પણ હવે સંભળાઈ રહી છે.