ભવાનીપર બોગસ દસ્તાવેજ કેસના આરોપીને આગોતરા : ચેકના કેસમાં માંડવીવાસીની સજા રદ

ભુજ, તા. 16 : અબડાસાના ભવાનીપર ગામે આવેલી ખેતીની જમીનનો બોગસ દસ્તાવેજ થવાના મામલે નોંધાયેલી ફોજદારી ફરિયાદના કેસમાં એક આરોપી નીતિન શંકરલાલ ભાનુશાલીને જિલ્લા અદાલત દ્વારા આગોતરા જામીન અપાયા હતા. તો ચેક પરત થવાના કેસમાં માંડવીની અદાલત દ્વારા કેદ અને દંડની સજા પામેલા પ્રદીપગર જશવંતગર ગુંસાઇની આ સજા જિલ્લા અદાલત દ્વારા રદ કરતો આદેશ કરાયો હતો. નલિયા પોલીસ મથકમાં દાખલ થયેલા ભવાનીપર ગામે આવેલી ખેતીની જમીન વિશેના કેસમાં જેમની સામે ગુનો દાખલ કરાયો છે તે આરોપીઓ પૈકીના નીતિન ભાનુશાલી માટે આગોતરા જામીનની અરજી મુકાઇ હતી. આ બાબતે અધિક સેશન્સ જજ શ્રી પવાર સમક્ષ સુનાવણી થઇ હતી. તેમણે બન્ને પક્ષને સાંભળી શરતોને આધિન આગોતરા જામીન આપતો આદેશ કર્યો હતો. આરોપીના વકીલ તરીકે સંતોષાસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય અને જિગર એમ.ગઢવી રહ્યા હતા. બીજીબાજુ સાત લાખ રૂપિયાના મૂલ્યનો ચેક બેન્કમાંથી પરત થવાના મુદે કરાયેલા કેસમાં માંડવીની કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદ અને રૂા. 20 હજારના દંડની સજા પામનારા પ્રદીપગર ગુંસાઇની સજા જિલ્લા અદાલતે રદ કરતો હુકમ કર્યો હતો. ભુજના આઠમા અધિક સેશન્સ જજ સી.એમ.પવારે આરોપીની અપીલ મંજૂર કરતાં તેની સજા રદ કરતો 38 પાનાનો આ ચુકાદો આપ્યો હતો. આરોપીના વકીલ તરીકે ભુજના વરિષ્ઠ ધારાશાત્રી દર્શકભાઇ કે. બૂચ સાથે મલ્હાર ડી. બૂચ રહ્યા હતા. -  લાંચના કેસમાં છુટકારો  પ્રાથમિક શાળાના સંકુલનું બાંધકામ કરનારા ઠેકેદારનું બિલ મંજૂર કરવા માટે લાંચની માગણી કરવાના કેસમાં પાનધ્રો (લખપત) સ્થિત ખનિજ વિકાસ નિગમના સિવિલ ઇજનેર કનુભાઇ નારાણદાસ પટેલનો કોર્ટ દ્વારા નિર્દોષ છુટકારો થયો હતો. ભુજ ખાતે ખાસ ન્યાયાધીશ પી.એસ.ગઢવી સમક્ષ આ કેસ ચાલ્યો હતો. તેમણે સાત સાક્ષી અને 30 દસ્તાવેજી પુરાવા તપાસી ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાના તારણ સાથે આરોપીને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી કે.ટી.ચૌધરી સાથે વી.પી.ગઢવી, એન.એલ. વાઘેલા, ડી.પી.જોશી અને ઐશ્વર્યા ચૌધરી રહ્યા હતા. - વીજ કંપની વિરુદ્ધ ચુકાદો  ઘેટાબકરા ચરાવવા દરમ્યાન લીમડો કાપવા જતાં વિદ્યુત આંચકો લાગવાથી માંડવી તાલુકાના દેવપર (ગઢ) ગામના કાંયા સોમા રબારીનું મૃત્યુ થવાના કિસ્સામાં  અદાલતે વીજ કંપનીની વિરુદ્ધ હુકમ કર્યો હતો. ભોગ બનનારના પરિવારને રૂા. 3.71 લાખનું વળતર આપવાનો આ ચુકાદામાં આદેશ કરાયો હતો. આ કેસમાં મૃતકના પરિવારના વકીલ તરીકે વિશાલ બી. મકવાણા, રાજેન્દ્રાસિંહ કુંપાવત, ઋષિ જે. ઉપાધ્યાય, કુન્દન ધનાણી, સંકેત જોશી, સાજીદ તુરિયા, હેતલ વાઘેલા, મેહુલ ગોસ્વામી અને વિનોદ મહેશ્વરી રહ્યા હતા. - જામીન અરજી મંજૂર ટ્રકના બોગસ અને ખોટા રજિસ્ટ્રેશન બાબતના ભાવનગર પોલીસ મથકના વર્ષ 2008ના કેસમાં લાંબા સમય બાદ ધરપકડ કરાયેલા આરોપી ગુરુમીતાસિંગ ઉર્ફે મામજી લક્ષ્મણાસિંગ રામગઢિયાને જામીન અપાયા હતા. ભુજના આઠમા અધિક સેશન્સ જજે આ ચુકાદો આપ્યો હતો. આરોપીના વકીલ તરીકે વિવેકાસિંહ આર. જાડેજા, ભાવેશ ડી. દરજી અને પ્રવીણાસિંહ એમ. જાડેજા રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer