માધાપરમાં ઘરમાં ચાલતો જુગારનો અડ્ડો ઝપટે : સાત સ્ત્રી-પુરુષ ઝડપાયા

ભુજ, તા. 16 : તાલુકાના માધાપર ગામે નવાવાસમાં સર્વોદય ગ્રાઉન્ડ પાસે કેવલ હોમ્સ વસાહત ખાતેના એક મકાનમાં ચાલતું જુગારધામ આજે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઝડપી પાડયું હતું. આ સ્થળેથી સંચાલક પતિ-પત્ની સહિત સાત સ્ત્રી-પુરુષ ખેલીને રૂા. 17750ની રોકડ રકમ સાથે પકડી તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.આજે સાંજે કરાયેલી આ પોલીસ કાર્યવાહીમાં ઘરમાલિક સોનિયાબેન કિશોરભાઇ ઠક્કર અને તેના પતિ કિશોર મોહનલાલ ઠક્કર ઉપરાંત ભુજની જ્યોતિ ઉર્ફે મીરા ઇમરાન માંજોઠી અને મંજુલાબેન કિશોર ગોસ્વામી, ભુજના સંજય મોહનગર ગોસ્વામી તથા માધાપરના વસીમ હસનઅલી યમની અને કુલદીપ પ્રકાશભાઇ શર્માની ધરપકડ કરાઇ હતી. આરોપીઓ પાસેથી રૂા. 17750 રોકડા કબ્જે લઇ તેમની સામે ગુનો દાખલ કરાયો હતો. રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી દ્વારા દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે તા. 10/10થી તા. 16/10 દરમ્યાન ખાસ ડ્રાઇવના આદેશ કરાયા છે જે અન્વયે આઇ.જી. અને એસ.પી. તથા નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગના માર્ગદર્શન તળે બી-ડિવિઝનના ઇન્સ્પેકટર એમ.એન. ચૌહાણ સાથે સ્ટાફના સભ્યોએ આ કાર્યવાહી પાર પાડી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer