રુદ્રમાતા ડેમનું પાણી પ્રથમ કમાન્ડ એરિયાના ખેડૂતોને આપવા આદેશ

ભુજ, તા. 16 : રુદ્રમાતા ડેમના પાણી માટે કમાન્ડ એરિયાના ખેડૂતોને પ્રથમ પસંદગી આપી લિફટ ઇરિગેશનથી પાણી મંજૂર કરવું કે નહીં અને પાણીના પ્રવાહ મુજબ કાયદા અનુસાર યોગ્ય નિર્ણય લેવા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટ દ્વારા કાર્યપાલક ઇજનેર, કેનાલ અધિકારી અને સિંચાઇ વિભાગના ડેપ્યુટી ઇજનેરને હુકમ કર્યો હતો. અરજદાર લોરિયાના ખેરાજી ભાણજી જાડેજા તથા ભૂપતસિંહ કે. સોઢા સહિત સાત વાદીઓ દ્વારા 2008માં ગુજરાત સરકાર, કા.પા. ઇજનેર, સિંચાઇ વિભાગના કેનાલ અધિકારી, ડે. ઇજનેર અને જિલ્લા કલેક્ટર સામે રુદ્રમાતા ડેમમાં પાણી ચોરી થાય છે તે સામે કાર્યવાહી થતી નથી અને કમાન્ડ એરિયા બહારનાને પાણી મંજૂર કરે નહીં તેવો દાવો કર્યો હતો. તે સંદર્ભે તા. 24/9/2019ના અંશત: દાવો મંજૂર કરતો હુકમ કર્યો છે.હુકમમાં વધુમાં જણાવાયું છે કે ડેડ સ્ટોકનો નિકાલ કમાન્ડ એરિયાના લોકોના હક્કોને અસર ન થાય તે રીતે પાણી આપવા અને પાક બચાવવા નિર્ણય લેવો. પરવાનગી વિના લિફટ ઇરિગેશન કરનારા સામે કાયદેસર પગલાં ભરવા, નિયમિત તપાસ કરી દર ત્રણ મહિને જિલ્લા કલેકટરને રિપોર્ટ આપવો, કલેક્ટરે અનધિકૃત પાણી નિકાલ થતું હોય તો તે પ્રવૃત્તિ રોકવા પોલીસ રક્ષણ આપવું. અદાલતના આ હુકમથી કમાન્ડ એરિયાના ખેતી કરી ગુજરાન ચલાવતા કાયદેસરના ખેડૂતોને ફાયદો થશે અને ગેરકાયદે લિફટ ઇરિગેશનથી થતી પાણી ચોરી અટકશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer