વણ વપરાયેલી ગ્રાન્ટ મુદે બે સીઆરસી વચ્ચે બોલાચાલી

ભુજ, તા. 16 : વણ વપરાયેલી સી.આર.સી.ની ગ્રાન્ટ મુદે બુધવારે માંડવી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અને ડોણના વર્તમાન સી.આર.સી. વચ્ચે બોલાચાલી બાદ ગ્રામજનોની દરમ્યાનગીરી બાદ સમાધાન થયું હતું. જો કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રે સંગઠનની આંતરિક બાબત હોવાની સ્પષ્ટતા કરી છે. શિક્ષણ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સી.આર.સી.ને વર્ષ દરમ્યાન વિવિધ કલામહોત્સવ, વિજ્ઞાન મેળા, મિટિંગોના ખર્ચે , ટ્રાન્સપોર્ટ ભાડું સહિતની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે,તે મુજબ હાલના માંડવી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અને ડોણ ગામના પૂર્વ સી.આર.સી.ના વખતની વધેલી ગ્રાન્ટની રકમની ડોણના વર્તમાન સી.આર.સી. પાસે માગવામાં આવી હતી. જે રકમ સરકારી હોઇ તે આપી ન શકાય તે બાબતે બોલાચાલી થઇ હતી. આ બનાવ બાદ ડોણના ગ્રામજનો દ્વારા બંને વચ્ચે સમાધાન કરાવાયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. દરમ્યાન આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક સાધતાં તેમણે સત્તાવાર આવી કોઇ વિગતો નથી મળી પરંતુ આ સંગઠનની આંતરિક બાબતે બોલાચાલી થઈ હોવાનું જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer