સુડધ્રો ડેમની શ્રીસરકાર થયેલી જમીન પર દબાણનો આક્ષેપ

નલિયા, તા.16 : અબડાસા તાલુકાના સુડધ્રો ડેમની આસપાસ સરકારી પડતર જમીન પર કેટલાક માથાભારે તત્ત્વોએ જમીન દબાણ કરતાં આવું દબાણ દૂર કરવા જાગૃત ગ્રામજનોએ વરિષ્ટ કક્ષાએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ શ્રીસરકારના સર્વે નંબર 545  વાળી જમીન ડેમની આસ-પાસ આવેલી છે. આ જમીન પર કેટલાક શિરજોર તત્ત્વોએ દબાણ કરી ડેમ પર જવા આવવાનો રસ્તો પણ બંધ કરી નાખ્યો છે એટલું  અપૂરતું હોય તેમ જમીન પર વાવેતર કર્યા પછી ફેન્સિંગમાં ઈલેક્ટ્રિક કરંટ વહેતો કરે છે, પરિણામે એ વિસ્તારમાં જતાં પશુધન માટે ઈલેક્ટ્રિક કરંટ જોખમી છે. ડેમની આસપાસની જમીનમાં બોર બનાવી સરકારી જમીનાનો આ રીતે શિરજોરીથી ઉપયોગ કરે છે. ફેન્સિંગને કારણે ડેમ પર જવા-આવવાનો રસ્તો બંધ થઈ જવાની સાથે ગમે ત્યારે ગમે તેના માટે જીવલેણ બની શકે છે. ગ્રામજનો દ્વારા દબાણ કરનારાઓને સમજાવટનો પ્રયાસ કરાય છે, છતાં દાદ આપતા નથી. જો આવું દબાણ ખુલ્લું નહીં કરાય તો આંદોલનની ચીમકી આપી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer