ગાંધીધામ પાલિકા પાણી દર ચોથા દિવસે આપે પણ નાણાં તો 365 દિ''ના લે છે !

ગાંધીધામ, તા. 16 : આ સંકુલમાં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરિત કરાય છે. આમ છતાં પાણીના વેરા સમગ્ર વર્ષ દરમ્યાનના લેવામાં આવે છે. જેના કારણે લોકોને આવી મંદીમાં આર્થિકનુકસાન ભોગવવાનો વારો આવે છે. ગાંધીધામ-આદિપુરના જુદા જુદા વિસ્તારોમાં અહીંની નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પાલિકા દ્વારા દર ચોથા દિવસે લોકોને પાણી વિતરિત કરવામાં આવે છે. શરૂઆતમાં એસ.આર.સી. દ્વારા પાણીની લાઇનો નખાયા બાદ ઘણા વર્ષો પહેલાં આ કામગીરી પાલિકાને સોંપવામાં આવી હતી. હાલમાં પાલિકા તંત્ર લોકોની જરૂરિયાત પ્રમાણે પાણી પહોંચાડી શકતું નથી તેવી અગાઉ અનેક ફરિયાદો ઊઠી હતી. આદિપુરમાં એકાંતરે પાણી વિતરિત કરી શકાય તે માટે અમૃત યોજના હેઠળ પાણીની લાઇનોનું માળખું બદલી રહેણાક વિસ્તારોના જોડાણોમાં સુધારા કરવા માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. વોર્ડ 2-બી બાદ વોર્ડ 2-એ, 3-એ, બી, 4-એબી વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે તેવી માહિતી પાલિકાએ ધારશાત્રી નરેન્દ્ર જે. તોલાણીને આપી હતી. ચાર દિવસમાં એકવાર પાણી આપવા છતાં સમગ્ર વર્ષ દરમ્યાનના પાણીના વેરા લોકો પાસેથી ઉઘરાવાતાં બુદ્ધિજીવી લોકો આ અંગે જાહેરહિતની અરજી કરવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer