ગાંધીધામ સંકુલમાં કોર્ટ ટિકિટની ભારે અછતથી અનેક અરજદારો મુશ્કેલીમાં

ગાંધીધામ, તા. 16 : આ શહેર અને સંકુલમાં છેલ્લા ઘણા સમયથી કોર્ટ ટિકિટ મળવાનું બંધ થતાં લોકોને આવક, જાતિના દાખલા કે મકાન, દુકાનના દસ્તાવેજ કરાવતી વખતે હેરાનગતિ થતી હોવાનું બહાર આવ્યું હતું. મિનિ મુંબઇ ગણાતા આ સંકુલમાં છેલ્લા કેટલાક સમયથી કોર્ટ ટિકિટની અછત સર્જાતાં લોકો પરેશાન થઇ ગયા છે. મામલતદાર કચેરીમાં આવક, જાતિના દાખલા, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન યોજના કે અન્ય કોઇ પણ કામ માટે અરજી કરતી વેળાએ અરજીમાં કોર્ટ ટિકિટ લગાડવી ફરજિયાત છે, પરંતુ તેની અછત સર્જાતાં અરજદારો પરેશાન થઇ ગયા છે. આવી યોજનાઓનો લાભ લેનારા અરજદાર મોટા ભાગે અશિક્ષિત હોય છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અન્ય સ્થળોની?સાથે અહીંની મામલતદાર કચેરી ઉપર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇ-સ્ટેમ્પિંગની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા માટે એક મોટું ફોર્મ ભરવાનું હોય છે જેમાં તમામ વિગતો લખવાની હોવાથી અશિક્ષિત કે પરપ્રાંતીય અરજદારો પરેશાનીમાં મુકાતા હોય છે. આ કોર્ટ ટિકિટ કે ઇ-સ્ટેમ્પિંગ વગર અરજદારોની અરજી સ્વીકારવામાં આવતી નથી તેમજ મંદીના આ સમયમાં અમુક લોકો જમીન, મકાન, દુકાનના દસ્તાવેજ કરવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવતા હોય છે ત્યારે પણ કોર્ટ ટિકિટની જરૂરિયાત ઊભી થતી હોય છે. જો કોર્ટ ટિકિટ ન હોય તો દસ્તાવેજ થતા નથી. સંકુલમાં કોર્ટ ટિકિટની અછત ઊભી થતાં આ અંગે મામલતદાર ચિરાગ હીરવાણિયાનો સંપર્ક કરાયો હતો. તેમણે આ અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer