ઘોરાડ અભયારણ્યને અસર કરતી સાત પવનચક્કી તાકીદે હટાવો

નલિયા, તા. 14 : ઘોરાડ અભયારણ્યની આસપાસ પવનચક્કીઓ લાગેલી હોવાથી હવે ઘોરાડ અભયારણ્યમાં રહેતા નથી. એટલું જ નહીં બે ઘોરાડનો પવનચક્કીએ ભોગ લીધો અને રાષ્ટ્રીય પક્ષી મોર સહિત 10થી 12 પક્ષીઓનો પવનચક્કીઓએ આ વિસ્તારમાં ભોગ લેતાં નારાજગી પ્રસરી છે. આ અંગે લાલા ગામના ખેડૂત અગ્રણી અને માજી સરપંચ આમદભાઇ સંઘારના જણાવ્યાનુસાર અભયારણ્યની હદથી બે કિ.મી.ના અંતર પછી પવનચક્કીઓ લગાડવાની હોય છે પણ 7 પવનચક્કીઓ 317 મીટરથી 1200 મીટરના અંતરે લાગેલી હોવાથી બે કિ.મી.નો નિયમ જ જળવાયો નથી.આ 7 પવનચક્કીઓ પૈકી વિન્ડમિલ નં. એમ-634 317 મી.ના અંતરે, એમ-637 288 મીટરના અંતરે, એમ 638 843 મીટરના અંતરે, એમ 639 1300 મીટરના અંતરે, એમ 647 1200 મીટરના અંતરે, એમ 776 436 મીટરના અંતરે, એમ 792 732 મી.ના અંતરે  લાગેલી હોવાથી પવનચક્કીના અવાજના કારણે ઘોરાડ પક્ષીઓ  અભયારણ્યમાં ટકતા નથી એટલું અપૂરતું હોય તેમ બે ઘોરાડ પક્ષીઓનો  પવનચક્કીએ ભોગ લીધો છે. પવનચક્કી લગાડનાર કંપની દ્વારા છડેચોક નિયમોનું ઉલ્લંઘન કરાય છે તેવો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વિન્ડમિલની આસપાસ ખુલ્લી જમીનમાં વૃક્ષો વાવવાના હોય છે પણ આવું કરાતું નથી. કુદરતી  ગાડાવાટ છોડી દેવાની હોય છે, જેનો પણ અમલ કરાતો નથી. પાણીના  કુદરતી વહેણો પણ ખુલ્લા રાખવાના હોય છે, તેને બદલે આવા વહેણો બંધ કરી દેવાયા છે. આ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer