બિબ્બરમાં નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો

બિબ્બરમાં નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો
ભુજ, તા. 13 : સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ તથા ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા શરદપૂનમના દિવસે વિનામૂલ્યે માગો ત્યાં મેડિકલ કેમ્પ યોજના અંતર્ગત નખત્રાણા તાલુકાના બિબ્બર ગામે આવેલા સંત ડુંગરશી ભગત આશ્રમ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિબ્બર તથા આજુબાજુના ગામના 200થી  વધુ દર્દીઓએ વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. સંત શ્રી ડુંગરશી ભગત આશ્રમના મહંત જગજીવન બાપુએ દીપ પ્રાગટય કરીને કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો અને માનવ સેવા એ જ પ્રભુસેવા છે તેમ જણાવી સંસ્થા દ્વારા વરસોથી થતી માનવ સેવા અને જીવદયાની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે જી.કે. જનરલ હોસ્પિટલના ડો. કે. એચ. ડાભીએ ડેંગ્યુથી બચવા માટેના ઉપાયો અને સ્વચ્છ પાણીમાં થતા ડેંગ્યુના મચ્છરોનો નાશ કરી સજાગતા રાખવા અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં સંસ્થાના ડો. અશોકભાઇ ત્રિવેદી, ડો. ઉમેશભાઇ આચાર્ય, ડો. કમલેશભાઇ, ડો. મકસુદ સુમરા, ડો. હબીબ શાહ વિગેરેએ પોતાની સેવાઓ આપી હતી. આ કેમ્પમાં દર્દીઓને દવા, ઇન્જેકશન તથા ગ્લુકોઝની બોટલ વિગેરેની સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે બંને સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઇ છેડા દ્વારા દિવાળી સુધી માગો ત્યાં મેડિકલ કેમ્પની કરેલ જાહેરાતના અનુસંધાનમાં ગામડે ગામડે જ્યાં હજી પણ વધુ બીમારી છે ત્યાં મેડિકલ કેમ્પ યોજવામાં આવશે અને લોકોને બીમારીથી મુકત કરી સ્વસ્થ ભારત સ્વચ્છ ભારતના સપનાંને સાર્થક કરવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા પૂ. મુકુલદાસજી મારાજ, ગામના સરપંચ હમીરજી, નખત્રાણા રાજપૂત સમાજના પ્રમુખ માધુભા, નખત્રાણા તાલુકા ભાજપના ઉપપ્રમુખ રામસંગજી, ગામના આગેવાન મનુભા, રણજીતસિંહ, દીપકસિંહ, લાધુભા માસ્તર અને ક.વી.ઓ. જૈન મહાજન ભુજના જનરલ મેનેજર અંકિત ગાલા, આરોગ્ય મિત્ર વીનેશભાઈ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer