માંડવી વાલ્મીકિ સમાજના 175 સફાઇ કામદારની કાલથી હડતાળ

માંડવી, તા. 13 : નગર સેવા સદનમાં કામ કરતા વાલ્મીકિ સમાજના તમામ સફાઈ કામદાર  વણ ઉકેલાયેલા પ્રશ્નો બાબતે તા. 15-10 મંગળવારથી સફાઇ કામ બંધ કરી કચેરી ખાતે ધરણામાં બેસશે. આ અંગે સમાજના પ્રમુખ કમલેશ ચૌહાણ, ઉ. પ્ર. અજય વાઘેલા તથા મંત્રી હરજી નારોલાએ નગર સેવા સદનને તા. 11-10ના લેખિત જાણ કરી હતી. ઉપરોકત હડતાળમાં સમાજના કાયમી, કોન્ટ્રાકટવાળા તથા રોજંદાર મળીને 175 જેટલા કર્મચારીઓ જોડાશે. કર્મચારીઓએ પ્રમુખ મેહુલભાઇ શાહ અને તેમની ટીમમાં વિશ્વાસ વ્યકત કરીને જણાવ્યું કે, છઠ્ઠા પગાર પંચની રકમ મંજૂર થયાના સમાચારની ખુશીમાં ફટાકડા ફોડી, મીઠું મોંઢું કરાયું હતું. પરંતુ વહીવટી પ્રક્રિયાના કારણે મંજૂર થયેલી રકમ દિવાળીના મોટા દિવસોમાં મળી જાય તેવું કરાવી આપવા જણાવેલું હતું. બીજીબાજુ નગર સેવા સદનના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી કાનજીભાઇ શીરોખાએ જણાવેલું હતું કે પગાર વધારાનો છઠ્ઠા પગાર પંચની ઓડિટ પ્રક્રિયા ચાલી રહી છે જે મંજૂર થયેથી તરત દરેકને છઠ્ઠા પગારપંચની રકમ અપાશે. કાયમી કરવા અંગે `ક' વર્ગ પ્રમાણે નવ કામદારોની નિમણૂક થઇ શકે પરંતુ `બ' વર્ગ પ્રમાણે 72 કામદારોને કાયમી કરી શકાય તે `બ' વર્ગ રોસ્ટર મંજૂરીની પ્રક્રિયામાં છે. જે મંજૂર થયેથી કાયમી કરાશે. કર્મચારીઓને કોઇ અન્યાય ન થાય તે માટે સતત જાગૃત છે, પરંતુ માંડવી વાલ્મીકિ સમાજના અમુક કર્મચારીઓ હડતાળ પર ઉતરવાનું કહી નગરપાલિકા કચેરીને બાનમાં લેવાનું કરી    રહ્યા છે.  રોજંદારો કોન્ટ્રાકટરો બધા જ કામ કરશે. ડોર ટુ ડોર કલેકશનમાં બધા જ વાહનો કાર્યરત રહેશે, માટે એમની જે માગણી છે તે પ્રક્રિયાના ભાગમાં જ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer