રાપરની જે. પી.નગર પ્રા. શાળા મર્જ કરાશે તો વિદ્યાર્થીઓ બાળમજૂર બનશે

રાપર, તા. 13 : અહીંના જે.પી.નગર વાંઢના રહેવાસીઓએ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી કે અહીંની પ્રા. શાળાને મર્જ કરાશે તો નજીકની શાળા બે કિ. મી. દૂર હોવાથી કન્યા અને કુમાર હાઇવે રોડ પસાર કરીને પહોંચી ન શકે જેથી બાળકો બાળમજૂર થશે. આથી મર્જ ન કરવા અનુરોધ કરી માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. જે.પી.નગરના કરમશીભાઇ કોલી, સતીબેન કોલી, જેસાભાઇ રવાભાઇ, વીરીબેન રામજી સહિત 80 જેટલા લોકોની સહી સાથે રજૂઆત કરાઇ હતી. અગાઉ પણ ગ્રામજનો અને એસએમસી સભ્યો દ્વારા માંગ કરાઇ હતી. ધો. 1થી 5ના 80 અને ધો. 6થી 7ના 24 છાત્રો ભણે છે સ્થાનિકે શાળા હોવાથી કન્યાઓ અભ્યાસ કરે છે. અતિ પછાત એવા પારકરા કોલી સમુદાયના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા મર્જ ન કરવા અનુરોધ કરાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer