ઝાડા-ઊલટી-તાવથી અંજાર તાલુકો બેહાલ

ઝાડા-ઊલટી-તાવથી અંજાર તાલુકો બેહાલ
ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકામાં પડેલા અનરાધાર વરસાદ બાદ આ પંથકના મેઘપર  બોરીચી અને મેઘપર કુંભારડી, ટપ્પર, વરસામેડી  ગામ સહિતના વિસ્તારોમાં જુદી-જુદી બીમારીઓએ માથું ઊંચકયું છે.  આ સ્થિતિમાં  તાલુકા આરોગ્ય વિભાગના ફોગિંગ મશીન બંધ પડતાં  દશેરાના દિવસે જ ઘોડા ન દોડયો હોવાનો તાલ સર્જાયો છે.  અંજાર તાલુકાના સંભવત: સૌથી મોટા ગામ તરીકે જાણીતા  મેઘપર બોરીચી અને  મેઘપર કુંભારડીમાં  100થી 150 જેટલી સોસાયટીઓ આવેલી છે. આ રહેણાંક વસાહતો પાસે  પાણીનો ભરાવો થતાં  મચ્છરનો ઉપદ્રવ  વધી રહ્યો છે. ખદબદતી ગંદકીને લીધે  વિવિધ સ્થળે   ડેંગ્યુ, ટાઈફોઈડ જેવી બીમારી લોકોને ડંખી  ગઈ છે.  માંદગીને કારણે લોકોને  આર્થિક નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો છે. મેઘપર બોરીચી ગ્રામપંચાયત વિસ્તારના  બીમારી સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા ભરાયેલા  પાણીમાં દવાનો છંટકાવ, બળેલું ઓઈલ જેવી  નોંધપાત્ર કામગીરી  જ  ન કરાઈ હોવાની ફરિયાદો ઊઠી છે.  નગરપાલિકા જેટલો વિસ્તાર ધરાવતી સોસાયટીઓમાં આરોગ્ય વિભાગ નાગરિકોનું સ્વાસ્થ્ય જાળવવામાં નિષ્ફળ નીવડયું છે તેવા આક્ષેપો પણ ઊઠયા હતા. કેટલીક સોસાયટીઓમાં દૂષિત પાણી આવતું હોવાની રાવ ઊઠી હતી. આ ઉપરાંત  અંજાર તાલુકાના ટપ્પર ગામમાં પણ પાણીજન્ય રોગોએ  થોડા દિવસથી માથું ઊંચકયું  હતું. જેની અસર હજુય હોવાનું ધ્યાને આવ્યું હતું. ગામના રબારીવાસ, કોળીવાસ વગેરે જગ્યાએ લોકોને  તાવ,ઝાડા- ઊલટી, પેટમાં દુ:ખાવો જેવી બીમારીની  બૂમો પાડી હતી.ટપ્પર ડેમમાંથી સીધું પાણી અપાયું હોવાના કારણે રોગાચાળો ફાટી નીકળ્યો હોવાનો  ગામમાં ગણગણાટ ચાલુ થયો હતો. ટપ્પર ગામની  મુલાકાત લેતાં ખેંગારભાઈ રબારીએ  જણાવ્યું હતું કે  મોટાભાગના લોકો બીમાર પડયા છે. તેમના પૌત્રને પણ છેલ્લા ત્રણ દિવસથી તાવ  છે અને અંજાર  ખાનગી આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહ્યો છે તેવું ઉમેર્યું હતું .રબારીવાસમાં જ  આવેલી લોટ દળવાની ચકકીએ બેઠેલી કેટલીક બહેનોએ ગ્રામ પંચાયતના વહીવટ સામે રીતસરનો આક્રોશ ઠાલવતાં કહ્યંy હતું કે  અનેક  લોકો બીમારીના ભરડામાં છે. મંદીના માહોલમાં  રોજગારની  અછત વચ્ચે  સારવારનો ખર્ચ કમર  તોડી નાખે છે.  તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અરજણભાઈ ખાટરિયાએ પણ આરોગ્ય વિભાગે યોગ્ય કામગીરી  ન કરી  જેને પગલે રોગચાળો  ફેલાયો છે તેવું જણાવ્યું હતું. હાલની પરિસ્થિતિ કાબૂ હોવાનું  ટપ્પર ગામના સરપંચના પતિ રમેશભાઈ ડાંગરે જણાવ્યું હતું.  હાલ બોરમાંથી પાણી અપાય  છે તેવું ઉમેર્યું હતું.  ટપ્પર ગામની મુલાકાત દરમ્યાન કેટલીક જગ્યાએ દવાનો છંટકાવ થયો   હોય તેવા દશ્યો ધ્યાને આવ્યા હતા.  કેટલાક લોકોએ આરોગ્ય વિભાગે કામગીરી કરી હોવાનો સૂર પૂરાવ્યો હતો. કચ્છના જીવાદોરી સમાન ટપ્પર ડેમ પાસે આવેલા  ઔદ્યોગિક  એકમોનું દૂષિત પાણી ડેમમાં આવે છે તેવી રજૂઆત ગામના અગ્રણીઓએ ટપ્પર ડેમ ખાતે આયોજિત નમામિ દેવી નર્મદે કાર્યક્રમમાં  ગાંધીધામના સુધરાઈ પ્રમુખ અને  અગ્રણીઓ  સમક્ષ કરી હતી.  ટપ્પર ગામમાં  દૂષિત પાણીના  મુદે આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામપંચાયતને તાકીદ કરાઈ હતી. તાલુકાની  આરોગ્યની સ્થિતિ સંદર્ભે  અંજાર તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાજીવ અંજારિયાનો  સંપર્ક કરતાં તેમણે ફોગિંગ મશીન બંધ હોવાનું કબૂલ્યું હતું. ચારેક જેટલા ડેંન્ગ્યુ   ના કેસ ધ્યાને આવ્યા છે. શહેરી વિસ્તારમાં મેલેરિયા વર્કરને બોલાવી કામગીરી  કરાય છે તેવું જણાવ્યું હતું. અંજાર  સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ  તાવ, ઝાડા, ઊલટીના  વધુ દર્દીઓ આવતા હોવાનું સપાટી પર આવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં આવેલા   ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં દર્દીનો ધસારો  વધ્યો  છે.  ખાનગી હોસ્પિટલો દ્વારા ડેંન્ગ્યુ  જેવી ગંભીર બીમારીની વિગતો સ્થાનિક  આરોગ્ય તંત્રને  સમયસર   અપાતી નથી જેને લઈને તંત્રની મુશ્કેલીઓ વધી રહી છે તેવી ફરિયાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કરી હતી. અંજાર તાલુકામાં  આરોગ્યની સ્થિતિ કથળતી જતી હોવા છતાં  નગરપાલિકા, ગ્રામપંચાયત,  આરોગ્ય  વિભાગ  સહિતના  તંત્રોના  પેટનું પાણી હલતું  નથી. લોકોના સ્વાસ્થ્યને  મુદે  તંત્ર  ગંભીર  બની  યોગ્ય કાર્યવાહી  કરે તેવી  માંગ  ઊઠી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer