પચ્છમમાં મિની વાવાઝોડું ફૂંકાયું, માંડવીમાં ભુસાકા

પચ્છમમાં મિની વાવાઝોડું ફૂંકાયું, માંડવીમાં ભુસાકા
ભુજ, તા. 20 : અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણના પટ્ટાની અસર તળે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સક્રિય થયેલા મેઘરાજાએ ગુરુવારથી કચ્છમાં પણ છૂટીછવાઇ હાજરી અવિરત પુરાવતા હોય તેમ આજે કાળા ડુંગર, પચ્છમ, માંડવી વિસ્તારમાં ભાદરવાના ભુસાકારૂપે મેઘકૃપા થઇ હતી અને અર્ધાથી એક ઇંચ જેટલું પાણી વરસી પડયું હતું. મિની વાવાઝોડું પણ ફૂંકાયું હતું. કૃષ્ણભગિનીના કડાકાઓએ  લાગલગાટ બીજા દિવસે ડર ફેલાવ્યો હતો.  બે સ્થળે વીજળી પડી હોવાની ઘટના પણ સામે આવી છે. માંડવીથી પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રે તોફાની બેટિંગ પછી શાંત પડેલા મેઘરાજાએ આજે ઢળતી સાંજે ડરામણું સ્વરૂપ ધારણ કરીને મિનિટો પૂરતી ઝડી સ્વરૂપે શહેરમાં પાંચ મિ.મી. પાણી વહેવડાવ્યું હતું. હાજાં ગગડાવી નાખે તેવી ગર્જના અને વેગીલા પવન થકી ભયનો માહોલ છવાઇ ગયો હતો. ગુંદિયાળી પંથકમાં પણ રૌદ્ર રૂપે અડધો-પોણો ઇંચ મેઘવૃષ્ટિ થઇ હોવાની વિગતો મળી હતી. અડતાલીસ કલાકોથી ઉનાળા જેવો બફારો, ગરમ હવા થકી પરસેવે રેબઝેબ કરનારા વરુણદેવે આજે ફરીને બિહામણા ચહેરે ભારે ઝડી થકી આલબેલ પોકારી હતી. નબળાં હૃદયના ધબકારા ચૂકી જાય એવી અદા - ગર્જના સાથે પાંચ મિ.મી.ની હાજરી પુરાવતાં નીચાણવાળા માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતાં. મોસમનો એકંદર વરસાદી આંકડો 635 મિ.મી. ઉપર નોંધાયો હોવાનું ભૂપેન્દ્ર સલાટે કન્ટ્રોલ રૂમમાંથી કહ્યું હતું. ડી.પી.માં ધડાકાઓને લીધે વીજ વિક્ષેપ સહેવો પડયો હતો. ગુંદિયાળીથી ભગવાનજી બોડાએ ભાદરવાના ભયભરેલા  વરસાદના વાવડ આપતાં અડધા-પોણા ઇંચનો અંદાજ મૂક્યો હતો. વિસામો લીધા બાદ વરસેલા વરુણ દેવે કઠોળ, ઘાસચારાને ફાયદો પહોંચાડયો છે. પંથકમાં શેખાઇબાગ વગેરે ન્યાલ થયા હતા. માંડવી પાસે સલાયા મુખ્ય બજારમાં  આવેલી જુમ્મા મસ્જિદના મિનારાની ટોચ પર વીજળી ત્રાટકી હતી અને મિનારાનો અમુક ભાગ બોમ્બ બ્લાસ્ટ જેવા ધડાકા બાદ તૂટયો હોવાનું નઝીર ખલીફાએ  જણાવ્યું હતું. એસ.ટી. ડેપોમાં પણ એક વૃક્ષ પર ડાળીઓને ધરાશાયી થતી ઘણાએ જોઇ હતી. સલાયાના વહાણવટી એસો.ના પ્રમુખ હાજી આદમ થૈમ તથા પેશ ઇમામ હાજી હુસેન સિધિક જુણેજાએ વીજળી પડતાં અને એક વૃક્ષ પડતાં વીજળી ગુલ થઇ ગઇ હતી. દરમ્યાન માંડવી-મુંદરા પંથક પણ ભીંજાયું હતું. પિયાવા વાડીવિસ્તારમાં ડરામણી ગાજવીજથી અડધો ઇંચ પાણી વરસી ગયું હતું. પિયાવા વાડીવિસ્તારમાં પણ વીજળી પડી હતી. જેમાં નાળિયેરનું વૃક્ષ, જૂનું મકાન, ક્ષતિગ્રસ્ત થયા હોવાનું ખેડૂત અગ્રણી કલ્યાણજી ગાજપરિયાએ જણાવ્યું હતું. બીજી તરફ ભુજપુર, ખાખર, કોડાય પુલથી ઠેઠ માંડવી સુધી 15 મિનિટમાં એકાદ ઇંચ પાણી ખાબકી ગયું હોવાનું જાણીતા ખેડૂત અગ્રણી અને તસવીરકાર રણજિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું. નખત્રાણાના કોટડા (જ)માં પોણો ઇંચ પાણી વરસી ગયું હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું. ગુરુવારે પ્રાંથળ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાનારા ગાજવીજ પવન સાથેના બળૂકા વરસાદે આજે  શુક્રવારે પચ્છમના છેવાડાના કુરન, સુમરાપોર, મોટા, કોટડા, ધ્રોબાણા, મોટા દિનારા સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાનો ડારામણો અનુભવ કરાવ્યો હતો અને એક ઇંચ વરસાદ પણ ઝીંકી દેતાં નદીઓ જીવંત બની હતી. સુમરાપોરથી પ્રતિનિધિના હેવાલ અનુસાર કાળા ડુંગરથી ધ્રોબાણા સુધી અને મોટા દિનારાની નદીઓમાં  જોશભેર પાણી વહ્યાં હતાં. અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. નળિયા મકાનો પરથી ઊડયા હતા.  ખેતરોમાં લહેરાતા જુવાર-બાજરીના પાકને ખાસ્સું એવું નુકસાન પહોંચ્યું હતું. આ તોફાનમાં ચાર વીજથાંભલા પડી જતાં મોટા દિનારા અને મોટા ગામ વચ્ચેનો વીજવ્યવહાર ઠપ થયો હતો અને ચાર ગામોમાં અંધારપટ્ટ છવાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer