2020માં કચ્છને મળશે એરપોર્ટ જેવું બસ મથક

2020માં કચ્છને મળશે એરપોર્ટ જેવું બસ મથક
ભુજ, તા. 20 : અહીંનું હંગામી એસ.ટી. બસ સ્ટેશન રહેણાક વિસ્તારમાં નગરજનોનું સુખચૈન છીનવી રહ્યું છે ત્યારે મૂળ વિસ્તારના મુખ્ય બસમથકના નવનિર્માણનું કામ કેટલે પહોંચ્યું એવા સવાલનો ઉત્તર એ છે કે અદ્યતન શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ થિયેટર, હોટેલ, રેસ્ટોરાં સહિતની સુવિધા ધરાવતું આઈકોનિક બસ પોર્ટ કચ્છને ડિસેમ્બર 2020 સુધી મળી જશે એ રીતે કામ ચાલી રહ્યું છે. પી.પી.પી. એટલે કે પબ્લિક પાર્ટનરશિપ પ્રોજેક્ટ હેઠળ જૂના એસ.ટી. બસ સ્ટેશનની જગ્યાએ કામની પ્રગતિ જાણવા મુલાકાત લેવામાં આવી ત્યારે પોણા બે લાખ સ્કવેર ફૂટની છત ભરવાનો ધમધમાટ ચાલતો હતો. રૂા. ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામતા સમગ્ર કચ્છની મુખ્ય એસ.ટી. બસ સ્ટેશનનું કામ કતિરા એન્ડ કયુમ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું છે કંપનીના ડાયરેક્ટર યશ કતિરાના જણાવ્યા પ્રમાણે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ વિસ્તારમાં છત ભરાઇ ગઇ છે. ગ્રાઉન્ડ ફલોરના માળની છત ભરવાનું કામ અત્યારે ચાલુ છે. કુલ 12,500 સ્કવેર મીટરના મુખ્ય વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે જેમાં એસ.ટી. નિગમની બસ સ્ટેશનને લગતી તમામ જરૂરિયાતો આધુનિક ઢબથી ઊભી કરવામાં આવી રહી છે. ડેપો મેનેજરના કક્ષથી માંડી બુકિંગ ઓફિસ, પાર્સલ ઓફિસ, પૂછપરછ વિભાગ ઉપરાંત કામદારો માટે વિશ્રાંતિ ભવન સહિત કર્મચારીઓની કચેરી વગેરેની વ્યવસ્થા ઉપરાંત બસ્સો જેટલી દુકાનો-ઓફિસોનું કોમર્શિયલ ધોરણથી નિર્માણ કામ ચાલી રહ્યું છે. હવે ગ્રાઉન્ડ ઉપરાંત બે માળના બાંધકામ માટેની પરવાનગીની છૂટછાટ મળી હોવાથી ભાડા કચેરીએથી બીજા માળ માટેની મંજૂરી મળી ગયા પછી બીજા માળે મલ્ટિ પ્લેક્સ, મોલ, ગેમ ઝોન વગેરે બનાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. આટલી મોટી ઇમારત બની ગયા પછી નિભાવવાની જવાબદારી કોની હશે એ સવાલ સામે તેમણે કહ્યું હતું કે કરાર મુજબ વર્ષો સુધી આખાય સંકુલની જવાબદારી અમારી હશે. ચુસ્ત સલામતી રક્ષકો, સફાઇ કામદારો 24 કલાક હશે અને શૌચાલય પણ એક હવાઇ મથકે હોય એવા હશે. તેની જાળવણી માટે પણ ખાસ સલામત આયોજન કરવામાં આવ્યું છે. જૂના સંકુલમાં અગાઉ માધાપર તરફનું સ્ટેન્ડ હતું ત્યાં હોટલ બનશે. એક સામાન્ય પ્રવાસીને રૂમ-ભોજન મળી શકે તેવી કાયમી ધોરણે વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું શ્રી કતિરાએ જણાવ્યું હતું. કચ્છ ભૂકંપ ઝોન વિસ્તાર હોવાથી ધરતીકંપને ધ્યાને રાખી એસ.ટી. નિગમ તરફથી ખાસ કન્સલન્ટન્સી એજન્સી નીમવામાં આવી છે જે રોજ રોજ દેખરેખ રાખે છે પછી જ કામ આગળ વધે છે. આ તો બસ સ્ટેશન અંદરના વિસ્તારની ડિઝાઇન છે પરંતુ જે બહારના મુખ્ય રસ્તા પર નગરપાલિકા હસ્તકની 175 જેટલી જૂની દુકાનો-ઓફિસો માટે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. જો બસ મથકના સુંદર દેખાવ માટે આ શોપિંગ સેન્ટર માટે પણ નિર્ણય લેવાઇ જાય તો જૂના બાંધકામની જગ્યાએ નવું બાંધકામ બની જાય તેમ છે. જ્યારે આ બાબતે નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરતભાઇ રાણાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, આ શોપિંગ સેન્ટરના બદલે આધુનિક માળખું બની જાય એ માટે વેપારીઓ સાથે પરામર્શ ચાલે છે. વેપારીઓની રોજીરોટી પણ ન છીનવાય, એક વધારાના માળનું નિર્માણ કરી પી.પી.પી. ધોરણે નવું જ બાંધકામ થઇ જાય તેવી વિચારણા ચાલે છે. માલિકી નગરપાલિકાની રહે તે રીતે કોન્ટ્રાકટર સાથે વાટાઘાટ ચાલે છે. ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડીને સેન્ટર બને તેવું અમારું આયોજન છે એમ તેમણે ઉમેર્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer