વરણુ રણ પાસે 165 અગરિયાને હટાવી દેવાયા

વરણુ રણ પાસે 165 અગરિયાને હટાવી દેવાયા
ખેંગાર પરમાર દ્વારા- આડેસર, તા. 20 : રાપર તાલુકાના આડેસર વિસ્તારના વરણુ રણમાં આજે અંદાજે 40 વર્ષથી મીઠું પકવીને રોજી કમાતા 165થી વધારે પરિવારોની તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રોજી-રોટી છીનવી લેવામાં આવી હતી. હજુ તો આ સિઝન માટે અગરિયાઓ પોતપોતાના માલ-સામાન સાથે રણમાં મીઠાના અગરોમાં માલ-સામાન રાખવાની તૈયારીમાં હતા ત્યારે જ તંત્ર દ્વારા આ પગલું ભરાતાં આ તમામ પરિવારો માથે આભ તૂટી પડયું હોય તેવી હાલત થઇ છે. વરણુ રણ પાસે પોલીસ કાફલા સાથે આવેલા ફોરેસ્ટના અધિકારીઓ અને મામલતદાર વિભાગના સર્કલ ઓફિસર અને ત્યાં હાજર રહેલા મીઠાના અગરિયાઓ વચ્ચે વાતચીત ચાલી હતી, જે વાતચીતમાં જાણવા મળતી વિગત મુજબ જંગલ ખાતા તરફથી બે વર્ષથી આ મીઠાના પ્લોટો ખાલી કરવાનું અગરિયાઓને કહેવામાં આવી રહ્યું છે, પણ આજકાલ કરીને આજે બે વર્ષ જેવો સમય કાઢી નાખવામાં આવ્યો છે, જે હવે ઉચ્ચ સ્તરેથી કડક હુકમ આવતાં પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવાની ફરજ પડી?છે, તેવું આડેસરના આર.એફ.ઓ.એ જણાવ્યું હતું. જ્યારે અગરિયાઓનો આક્ષેપ હતો કે, અમને આ જમીન જેમાં અમે મીઠું પકવીએ છીએ તે સરકાર તરફથી વરસો પહેલાં મંજૂર કરવામાં આવી છે. જેના નકશા સાથે અગરિયાઓ હાજર રહ્યા હતા. હવે પછી આ રણમાં તમને મીઠું પકવવા દેવામાં ન આવે તો શું કરશો ? તેના જવાબમાં તેઓએ કહ્યું કે, હવે અમારે માગીને ખાવું  પડશે !!! આ કાર્યવાહી સંદર્ભે વનતંત્રને પૂછતાં ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું કે, અમારી પાસે આધાર-પુરાવા નથી કે કોઇ?ઓર્ડર સાથે નથી લાવ્યા, પણ ઉચ્ચ સ્તરેથી ઓર્ડર છે અને આ અગરિયાઓ કોર્ટમાં કેસ હારી ગયા છે. માટે આ અગરિયાઓ જ્યાં સુધી ઉપલી કોર્ટમાં જઇને આ કેસ જીતી ન  લાવે ત્યાં સુધી આ વિસ્તારમાં કોઇને આવવા દેવામાં આવશે નહીં. કોઇ સંસ્થા કે તમે જે કંપનીમાં તમારા મીઠાનું ઉત્પાદન આપો છો તે કોઇ તમારા બચાવમાં તમારી પડખે ઊભા છે ??તેવા પ્રશ્નના જવાબમાં મીઠાના અગરિયાઓએ જણાવ્યું કે, જ્યારે જરૂર ન હોય ત્યારે સંસ્થાવાળા આવે છે, પણ જરૂર હોય ત્યારે સામા પક્ષમાં ભળી જાય છે. અમે જેને મીઠું આપીએ છીએ તેઓ પણ આવા સમયે કોઇ?દિવસ અમારી સાથે નથી રહ્યા. વરણેશ્વર દાદાના મંદિરથી રણ તરફ જઇએ તો આગળ રસ્તાના ફાંટા પડે છે, જેમાં એક બોર્ડમાં લખ્યું છે `મીઠાના અગર તરફ...' આ સરકારી અથવા ફોરેસ્ટ ખાતા તરફથી લગાવેલું બોર્ડ છે. જો અહીં મીઠાના અગરિયાઓએ દબાણ કર્યું હોય તો બોર્ડ લગાવવાની આટલી મોટી ભૂલ કેમ કરી ? જો આ દબાણ?છે તો અમુક સમયે આ અગરિયાઓને સરકારી સહાય કેમ મળે છે, અને જો આ દબાણ હોય તો ફોરેસ્ટની હદમાં આવતી અનેક માટી ખાણો કેમ ચાલે છે ??તંત્રને આ જમીન શું કામમાં આવવાની છે કે આ લોકોની રોજી-રોટી છીનવી રહી છે, તેવો વલોપાત અગરિયા કરી રહ્યા હતા. આ તમામ સવાલ વનતંત્રને પૂછતાં એક પણ સવાલનો જવાબ અધિકારીઓએ આપ્યો ન હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer