ભુજમાં રખડતા ઢોર પકડવા ફરી એક પ્રયાસ

ભુજમાં રખડતા ઢોર પકડવા ફરી એક પ્રયાસ
ભુજ, તા. 20 : શહેરીજનોના માથાનો દુ:ખાવો બની ગયેલા રખડતા ઢોરને પકડવાની ઝુંબેશનો ફરી એકવાર સુધરાઇ દ્વારા પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત અંદાજિત પંદરેક ઢોરને પકડી પશુ સુરક્ષા કેન્દ્ર ખાતે રખાયા હતા. ભુજમાં મુખ્ય માર્ગો સહિતના સ્થળોએ રખડતા ઢોરોના ધણના ધણ ખડકાયેલા રહેતા હોવાથી રાહદારીઓ, વાહનચાલકો ત્રસ્ત બન્યા હતા.  આ સમસ્યા હલ કરવા આજથી સુધરાઇ દ્વારા શહેરમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઇ હતી જેમાં રાત્રિ સુધીમાં પંદરેક પકડાયા હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આવી ઝુંબેશ અનેકવાર યોજાઇ ચૂકી છે પરંતુ ઢોરોને પકડવા માટે રાજકીય અગ્રણીઓ સહિતના ફોન આવતા સ્ટાફને લાચારીવશ પકડાયેલા ઢોરને છોડવા પડયાના બનાવો બની ચૂક્યા છે. શહેરીજનોની સમસ્યા દૂર કરવાને બદલે રખડતા ઢોર છોડાવવા માટે કરાતા ધમપછાડા કેટલા અંશે વાજબી કહેવાય તેવો સવાલ જાગૃત નાગરિકોમાં ઊઠયો હતો. ત્યારે ફરી એકવાર આ કામગીરી ચાલુ થઇ છે પરંતુ કેટલા દિવસ રહેશે તે જોવાનું છે. આવા ઢોરોની હડફેટે  લોકોના જીવ પણ ગયા છે ત્યારે આ વકરતી સમસ્યામાં હલ કરવામાં રોડા નાખતા અને ફોન કે, ફરજ પાડનારા રાજકીય કે, સામાજિક અગ્રણીઓના નામો લોકો સમક્ષ મૂકવા જોઇએ તેવી પણ લોકમાંગ ઊઠી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer