ભુજ પોલી.કોલેજની હોસ્ટેલનું અંતે કોંગ્રેસ દ્વારા `ઉદ્ઘાટન''

ભુજ પોલી.કોલેજની હોસ્ટેલનું અંતે કોંગ્રેસ દ્વારા `ઉદ્ઘાટન''
ભુજ, તા. 20 : રૂા. 12 કરોડના ખર્ચે છેલ્લા બે વર્ષથી બનેલી સરકારી પોલીટેકનિક કોલેજ ભુજની હોસ્ટેલનું આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસની યાદી અનુસાર છાત્રોને રહેવા માટે બે હોસ્ટેલ બનાવવામાં આવી છે, પરંતુ દર વખતની જેમ કોઇ મોટા નેતા દ્વારા ઉદ્ઘાટનની રાહ જોઇને બે વર્ષથી બંધ?પડી છે ત્યારે પોલીટેકનિકના એન.એસ.યુ.આઇ.ના છાત્રો દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને આ જ કોલેજના એલ્યુમની એસોસિયેશનના પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગરના હસ્તે રિબિન કાપી હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને પૂર્વ સેનેટ ડો. રમેશ ગરવા, અશરફ સૈયદ, એન.એસ.યુ.આઇ.ના ઋષિ જાડેજા, કરણસિંહ જાડેજા, કાર્તિક પૈઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 12 કરોડની બનેલી આ હોસ્ટેલમાં 150 છોકરા અને 100 છોકરીઓ એમ કુલ્લ 250 જેટલા વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા છે તથા દરેક રૂમમાં લાઇટ-પંખા તથા તમામ ફર્નિચર પણ તૈયાર છે ત્યારે વિદ્યાર્થીઓનું હિત સરકાર શા માટે જોતી નથી ??શા માટે વિદ્યાર્થીઓને મોંઘા ભાડાં ભરી કોલેજથી દૂર રહેવા જવું પડે છે શાસક પક્ષના નેતા છાત્રોના હિત માટે વિચારે અને માત્ર સ્વપ્રસિદ્ધિમાં રચ્યાપચ્યા રહેવાને બદલે કચ્છહિતનાં કાર્યો કરે તેવું જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગરે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer