કનૈયાબે પાસે કાર સાથે અથડાયા બાદ ટેમ્પોની પલટી : એક મોત, પાંચ ઘવાયા

કનૈયાબે પાસે કાર સાથે અથડાયા બાદ ટેમ્પોની પલટી : એક મોત, પાંચ ઘવાયા
ભુજ, તા. 20 : ભુજ-ભચાઉ વાયા દુધઇ માર્ગ ઉપર કનૈયાબે ગામ નજીક ટેમ્પો અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારના ચાલક મૂળ મહારાષ્ટ્રના અને હાલે ભુજ ખાતે રહેતા કંપનીના કર્મચારી સંદીપ અન્ના જમાલે (ઉ.વ. 35)ને મોત આંબી ગયું હતું. જ્યારે ટક્કર બાદ પલટી ખાઇ ગયેલા ટેમ્પોમાં સવાર અન્ય પાંચ જણ જખ્મી થયા હતા. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મોટા યક્ષના મેળામાં ધંધો કરવા માટે આવેલા વ્યવસાયીઓ મેળો પૂર્ણ કરીને પરત તેમના વતન જવા માટે આઇશર ટેમ્પો ભાડે કરીને નીકળ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડયો હતો. આ ઘટનામાં હોન્ડા કાર લઇને રાજસ્થાનથી આવી રહેલા કંપનીના કર્મચારી સંદીપ અન્નાની કાર સાથે સામેથી ભુજ બાજુથી આવી રહેલો આ ટેમ્પો અથડાતાં આ યુવાન કારચાલકને ગંભીર ઇજાઓ થઇ હતી અને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.  જ્યારે કાર સાથે અથડાયા બાદ આઇશર ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. આ વાહનમાં સવાર મોટા યક્ષના મેળામાં ધંધો કરવા માટે આવેલા અને મેળો પૂર્ણ કરીને પરત જઇ રહેલા ઉત્તર પ્રદેશના અનિશ અઝીઝ સૈયદ (ઉ. વ. 26), સમીમ જાફર સૈયદ (ઉ. વ. 70), ચંદબાબુ આમીન સૈયદ (ઉ. વ. 25) અને ચંદ મોહમદ સૈયદ (ઉ. વ. 25) ઉપરાંત શકીલ જબ્બાર સૈયદ (ઉ. વ. 15) ઉપરાંત ટેમ્પોના ચાલક પંચમહાલ જિલ્લાના દિનેશ રામજી પટેલ (ઉ. વ. 41)ને ઇજાઓ થઇ હતી. આ પાંચેયને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પદ્ધર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer