મુંદરામાં તા.ના 178 પશુપાલકે રાષ્ટ્રીય કૃત્રિમ બીજદાન કાર્યક્રમ નિહાળ્યો

મુંદરામાં તા.ના 178 પશુપાલકે રાષ્ટ્રીય કૃત્રિમ બીજદાન કાર્યક્રમ નિહાળ્યો
ભુજ, તા. 20 : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાષ્ટ્રીય કૃત્રિમ બીજદાન કાર્યક્રમ, ખરવા મોવાસા અને બ્રુસેલોસીસ જેવા અતિ ચેપી પશુરોગોના નિયંત્રણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમતેમજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો આરંભ મથુરા ખાતેથી કરાયો તેનું જીવંત પ્રસારણ સહિત ખેડૂત- પશુપાલક સંમેલનનું મુંદરામાં આયોજન કૃષિવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરાયું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડાએ દીપ પ્રાગટય કરી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હંમેશાં કિસાનોના પ્રશ્નો બાબતે જાગૃત રહી તેનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ હોય છે. આગામી વર્ષ 2022 સુધીમાં ભારતના ખેડૂતો અને પશુપાલકોની આવક  બમણી કરવાના ભારત સરકારના લક્ષ્યને સિદ્ધ કરવા આ કાર્યક્રમો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના વર્ષે તેમને કાર્યાંજલિ સ્વરૂપે શરૂ કરાયેલા `સ્વચ્છતા હી સેવા'? અભિયાન અને પ્લાસ્ટિકમુકત ભારત થકી મનુષ્યની સાથે પશુઓના આરોગ્યની જાળવણી પણ થઇ શકશે. કૃષિવિજ્ઞાન કેન્દ્રના ડો. ટાંકે સૌને આવકાર્યા હતા. નાયબ પશુપાલન નિયામક ડો. કે. જી. બ્રહ્મક્ષત્રીએ પશુપાલન વ્યવસાયના વિકાસ માટેના આ રાષ્ટ્રીય કાર્યક્રમનું મહત્ત્વ અને તેનાથી પશુપાલકોને થનાર ફાયદાઓ સમજાવ્યા હતા. મુંદરા તાલુકાના 178 જેટલા પશુપાલકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની સાથે પશુ રસીકરણ અને કૃત્રિમ બીજદાન કામગીરીનું નિદર્શન કરાયું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળા પશુઓ રાખી નફાકારક પશુપાલન કરવા જણાવ્યું હતું. ટેકનિકલ સેશનમાં ખરવા-મોવાસા તેમજ બ્રુસેલોસીસ રોગ અંગેની માહિતી ડો. નાથાણી, કૃત્રિમ બીજદાન અને પશુ સંવર્ધનની માહિતી ડો. ઠક્કરે આપી હતી. આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્રે જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના સહકારથી કર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer