સર્જકોની ભાવિ પેઢી તૈયાર કરવાનું આયોજન

સર્જકોની ભાવિ પેઢી તૈયાર કરવાનું આયોજન
માંડવી, તા. 20 : સમગ્ર કચ્છના સાહિત્ય જગતમાં બહુમૂલ્ય પ્રદાન કરીને રાજ્ય સ્તરે કચ્છનું નામ રોશન કરનાર વી.આર.ટી.આઇ.ના વિવેકગ્રામ પ્રકાશને કચ્છના એંસી ઉપરાંત સર્જકોને પુસ્તક પ્રકાશનમાં સ્થાન આપ્યું છે. મોટા ગજાના સાહિત્યકારોમાં જેની ગણના થઇ રહી છે તેવા કેટલાક સર્જકો સાથે અને રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાની કેટલીક સાહિત્યિક સંસ્થાઓ પણ આ પ્રકાશન સંસ્થા સાથે કામ કરવામાં ગૌરવ અનુભવે છે. વિવેકગ્રામ પ્રકાશનના રજત જયંતી વર્ષ નિમિત્તે મુંબઇ ખાતે યોજાયેલા સમારોહમાં પ્રકાશન સંસ્થા દ્વારા અઢી દાયકામાં થયેલી વૈવિધ્યસભર અને ગૌરવપૂર્ણ સાહિત્યિક પ્રવૃત્તિઓની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનાં માધ્યમથી પ્રસ્તુતિ કરતાં સાહિત્યકાર લાલ રાંભિયાએ જણાવ્યું હતું. 130 ઉપરાંત પુસ્તકનાં પ્રકાશનની સાથે પુસ્તક મેળાઓ, સાહિત્યિક વ્યાખ્યાનો, રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાની વિવિધ સાહિત્યિક સંસ્થાઓના યજમાનપદના કાયક્રમો, કાર્યશાળાઓ, પુસ્તક વિતરણ કામગીરી, ગ્રંથાલયોને પુસ્તક સહાય, વાંચન પ્રેરણા કાર્યક્રમો, કચ્છી ભાષા સંવર્ધન પ્રવૃત્તિ સહિતની આ સંસ્થા દ્વારા થયેલી અનેકવિધ પ્રવૃત્તિઓની માહિતી તેઓએ અસરકારક રીતે રજૂ કરીને મુંબઇગરાઓને સંસ્થાના આ ઉજ્જવળ પાસાઓનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના ટ્રસ્ટી અશ્વિનભાઇ શ્રોફ ઉપરાંત બુદ્ધિચંદભાઇ મારૂ, લેક્ષ જૈન, પ્રવીણભાઇ વીરા, વલ્લભજી ભાણજી ગડા, વિશનજીભાઇ ગાલા વગેરે અગ્રણીઓના હસ્તે  દીપ પ્રાગટયથી શુભારંભ કર્યા બાદ કાર્યક્રમના સૂત્રધાર ડો. ગુલાબ દેઢિયાએ ગ્રામોત્થાનને સમર્પિત સંસ્થાની સાહિત્યપ્રવૃત્તિને મૂલ્ય ઘડતરનાં કાર્ય લેખે આવકારી હતી. વિવેકગ્રામ પ્રકાશન અધિકારી ગોરધન પટેલ `કવિ'એ સંસ્થાનો અભિગમ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, સફળ સર્જકોના ઉત્તમ પુસ્તકોનાં પ્રકાશનની સાથે નવોદિતોને યોગ્ય તકો આપીને સંસ્થાએ સર્જકોની ભાવિ પેઢી તૈયાર કરવાનો યુગધર્મ બજાવવાની સાથે સંસ્થાની ગરિમા જળવાય તે રીતે કાર્ય કર્યું છે તેમજ કચ્છના વિવિધ વિષયોને આવરી દસ્તાવેજીકરણ પુસ્તકો સંસ્થાનું જમા પાસું છે. સંસ્થાના સિનિયર કાર્યકરો રમેશ ગોર અને રમેશ નંદાનો મંચ પરથી પરિચય કરાવીને સંસ્થાની આ પ્રવૃત્તિને સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વની ફરજ તરીકે લેખાવી હતી. કાર્યક્રમના બીજા ભાગમાં જ્હોની શાહ લિખિત અને દિગ્દર્શિત એકપાત્રીય નાટક `પાહિણી દેવી'ની પ્રસ્તુતિ કલાકાર અર્ચના જ્હોની શાહે સાહિત્ય સમારોહને ચાર ચાંદ લગાવ્યા હતા. 84 વર્ષના જીવનકાળ દરમ્યાન જેમણે સાડા ત્રણ કરોડ શ્લોક રચ્યા અને મહારાજા કુમારપાળે પોતાના  ગુરુ માન્યા તેવા `િસદ્ધહેમ શબ્દાનુશાસન' વ્યાકરણના  રચયિતા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જીવન-કવન ને એમની માતા પાહિણી દેવીના ભાવની અભિવ્યક્તિ દ્વારા જાણવા- માણવાનો આ એક ગૌરવવંતો અવસર બની રહ્યો, એવું જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer