ગાંધીધામના વરસાદી નાળાં મચ્છરોનું મેટરનિટી હોમ !

ગાંધીધામના વરસાદી નાળાં મચ્છરોનું મેટરનિટી હોમ !
ગાંધીધામ, તા. 20 : આ શહેર અને સંકુલમાં આવેલાં લગભગ તમામ વરસાદી નાળાંઓમાં ગટરના ગંદાં પાણી વહી રહ્યાં છે તો અમુકમાં ગંદકીના ગંજ ખડકાયા છે. આવા તમામ નાળાંઓમાં મચ્છર ઉત્પાદન કરવાની ફેક્ટરીઓ ધમધમી રહી છે. જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.  પાલિકાએ સમ ખાવા પૂરતી પણ આવા નાળાંઓમાં દવા છાંટી નથી. ત્યારે આવા નાળાંની સફાઈ કરાવવા અને દવાનો છંટકાવ કરવા માંગ ઊઠી છે. સંકુલમાં ટાઈફોઈડ, ડેંગ્યુ, મેલેરિયાના કેસો દેખાવા લાગતાં બેદરકાર તંત્રો સમયસર જાગે તે જરૂરી છે. આ શહેરના કલેકટર રોડ, આંબેડકર સર્કલથી ગણેશ નગર, બસ મથકથી કાર્ગો, મુખ્ય બજાર, સુંદરપુરી પાણીના ટાંકાથી અપનાનગર,  ટાગોર રોડની બન્ને બાજુ, ઓસ્લોથી જી.આઈ.ડી.સી. થઈ કાર્ગો સુધી, આદિપુરમાં રાજવી ફાટકથી રોટરી સર્કલ, મણિનગર, કેસરનગર, એસ.ઓ.જી. કચેરી પાસે, વિનય ટોકીઝ નજીક વગેરે નાળાંઓમાં ગટરનાં ગંદાં પાણી વહી રહ્યાં છે. તો અમુક જગ્યાએ પ્લાસ્ટિક , મરઘાનાં પીછાં વગેરેથી ગંદકી ફેલાયેલી છે. આવા નાળાંઓને લાખોના ખર્ચે સાફ કરાયા હોવાનો ડોળ કરાયો હતો. પરંતુ ખરેખર અનેક નાળાં સાફ થયા વગરના જ રહ્યા હતા. આ વરસાદી નાળાઓમાં ગટરના પાણી અને ગંદકીના લીધે મચ્છર ઉત્પાદન કેન્દ્રો ખૂલ્યા છે. જેના કારણે લોકો માંદગીના બિછાને પડી રહ્યા છે, લોકોને સ્વાસ્થ્ય અને આર્થિક એમ બેવડો માર પડી રહ્યો છે. આ શહેર અને સંકુલમાં કયાંય પણ દવાનો છંટકાવ પાલિકા દ્વારા કરાયો હોય તેવું જણાતું નથી તેવું લોકો કહી રહ્યા છે. તો ફોગિંગની કામગીરી પણ હજુ થઈ નથી. જે વરસાદી નાળાંઓમાં ગટરનાં ગંદાં પાણી વહે છે તેમાં આવતું ગંદું પાણી રોકવામાં આવે તથા જમા થયેલા દૂષિત પાણીનો નિકાલ અને ગંદકી દૂર કરી તેમાં ત્વરિત દવાનો છંટકાવ કરાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. અન્યથા અહીંના મકાનો લોકોથી ખાલી થઈ જશે અને હોસ્પિટલો ઊભરાઈ જશે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. શહેરના ખાનગી તબીબો પાસે ટાઈફોઈડ, ડેંગ્યુ તથા મેલેરિયાના કેસો આવી રહ્યા છે પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગને કોઈ કોઈ તબીબો માહિતી આપતા નહીં હોવાથી રોગચાળા જેવી સ્થિતિનો ખ્યાલ આવતો નથી. લોકોને મેલેરિયા વિભાગ ચોખ્ખું પાણી વરસાદી પાણી ભરાઈ ન રહે તે જોવા અપીલ કરી રહ્યો છે. પરંતુ પોતે જ શહેરના વરસાદી નાળાંમાં ભરાયેલું વરસાદી તથા ગટરનું પાણી વહાવી દેવા કે તેમાં દવા છાંટવાની બાબતમાં શા માટે બેદરકાર છે તે મોટો પ્રશ્ન છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer