રામબાગ હોસ્પિટલની જ્યારે મહિલા અધિકારીએ લીધી ઓચિંતી મુલાકાત

રામબાગ હોસ્પિટલની જ્યારે મહિલા અધિકારીએ લીધી ઓચિંતી મુલાકાત
ગાંધીધામ, તા. 20 : અહીંની રામબાગ હોસ્પિટલમાં આજે ભુજના વિભાગીય નાયબ નિયામક તબીબે આશ્ચર્યજનક રીતે મુલાકાત લઈને સૌને ચોંકાવી દીધા હતા. આ મહિલા અધિકારીએ રામબાગના સુપરિન્ટેન્ડેન્ટને રીતસર ખખડાવી નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું. વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલીબેન મહેતાએ થોડાક સમય અગાઉ અહીંની રામબાગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે જુદા-જુદા વિભાગોના વડાઓને ફેરફાર અને સુધારા વધારા કરવા માટે સૂચનાઓ આપી હતી, પરંતુ અહીંના માંદાં તંત્રે આવી કોઈ જ સૂચનાનો અમલ કર્યો ન હતો. દરમ્યાન આજે આ મહિલા તબીબ ઓચિંતા અહીં પહોંચ્યા હતા. પૂર્વ કચ્છની એકમાત્ર `સરકારી હોસ્પિટલ'નો દરજ્જો ધરાવતી આ હોસ્પિટલમાં અગાઉ પોતે આપેલી સૂચનાઓનો અમલ ન થતાં આ અધિકારી રીતસર ગુસ્સે થયા હતા અને એક તબક્કે સુપરિન્ટેન્ડેન્ટને ખખડાવી નાખ્યા હતા. તેમણે ગાયનેક વિભાગ, લેબરરૂમ, ઓ.પી.ડી., સાધન સામગ્રી, લેબોરેટરી વગેરે વિભાગોની મુલાકાત લીધી હતી. સાફ-સફાઈ રાખવા સહિતના જુદા-જુદા સૂચનો કર્યા હતા. આ અધિકારીની મુલાકાતને પગલે કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રામબાગ હોસ્પિટલમાં દર્દીઓની યોગ્ય તપાસણી થતી નથી, તેમની સાથે અમુક સ્ટાફ દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવે છે. દર્દીને તપાસ્યા વગર દવા આપી દેવામાં આવે છે. અમુક સમયે બહારથી દવા લઈ આવવાનો આગ્રહ રાખવામાં આવે છે. તબીબોની ઘટ છે વગેરે મુદાઓ અંગે અનેક વખત લેખિત, મૌખિક રજૂઆતો થઈ છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યાં નથી તેવું જણાઈ રહ્યું છે ત્યારે ઉપરી રાહેથી આવી સમસ્યાઓમાં ત્વરિત પગલાં લેવામાં આવે તેવું સામાન્ય લોકો ઈચ્છી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer