ઓછું ભણેલી બહેનો કૌશલ્યના આધારે રોજગારી મેળવી શકે

ઓછું ભણેલી બહેનો કૌશલ્યના આધારે રોજગારી મેળવી શકે
મુંદરા, તા. 20 : સાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ટ્રેનિંગ કાર્યક્રમો પૂર્ણ?કરનારી બહેનોને પ્રમાણપત્ર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ પગભર બની સ્વનિર્ભર બની શકે તેવા ઉમદા હેતુથી સાથ સંસ્થા અને અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર મુંદરાના બારોઈ સ્થિત જશરાજનગર ખાતે  ચલાવવામાં આવે છે. તાલીમ કેન્દ્રમાં સીવણ ક્લાસ, બ્યૂટીપાર્લર અને એમ.ઈ.ના તાલીમાર્થીનોને મુખ્ય મહેમાન બારોઈ ગ્રા.પં.ના સરપંચ જીવણજી જાડેજા, ઉપસરપંચ ભોજરાજભાઈ ગઢવી, મુંદરા તા. પં.ના સભ્ય વૈભવભાઈ ધારક, અશ્વિનભાઈ જોશીના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. દીપ પ્રાગટય બાદ તાલીમાર્થીઓને પોતાની તાલીમ દરમ્યાનના અનુભવ રજૂ કર્યા હતા, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સ્કીલ ટ્રેનિંગ અને રોજગારલક્ષી કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. એ.આઈ.એફ.ના અવિનાશભાઈ તથા સાથ સંસ્થાના વિક્કીભાઈ યાદવે ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. સંસ્થાના ભાવેશભાઈ મારૂએ માહિતી આપતાં જણાવ્યું કે જે બહેનો ઓછું ભણેલી છે તેમને પગભર બનાવતાં પહેલાં જરૂરી આવડત, કૌશલ્ય અને પૂરક વિગતોથી વાકેફ કરી તાલીમ આપવામાં આવેછે. 2 મહિનાના તાલીમકાળની ફી માત્ર રૂા. 200 છે. ઉપરાંત માત્ર બહેનો માટેના જ તાલીમવર્ગો છે. શ્રી મારૂએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં બેસીને રોજગારી મેળવવા ઈચ્છતી મહિલાઓ માટે `સાથ' અને અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી ચાલતા તાલીમવર્ગો આશીર્વાદ સમાન બને છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer