ટ્રાફિક મુદ્દે રકમ નક્કી છતાં મોટા દંડનો કોરડો

ભુજ, તા. 20 : ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ભારત સરકારે નવા કાયદાની અમલવારી કરી છે, તેની વચ્ચે કચ્છમાં કાયદાના નામે આરટીઓ તંત્ર દ્વારા ક્યાંક વાહનચાલકો પાસેથી ખોટી લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદ ઉઠતાં તંત્રના અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે, જો ક્યાંય પણ ભૂલ થઇ હશે તો એ સુધારી લેવામાં આવશે. તો બીજી બાજુ આ કામગીરી ઉપર કલેક્ટરને નજર રાખવા પણ જણાવાયું છે. ગુજરાત સરકારે જે કાયદામાં હળવા નિયમો બનાવી દંડમાં વાહનચાલકો માટે રાહત આપી છે. જો પી.યુ.સી. ન હોય, ખિસ્સામાં લાયસન્સ ન હોય, હેલ્મેટ ન પહેર્યું હોય તો આવા કિસ્સામાં પહેલી વખત રૂા. 500નો દંડ છે. બીજી વખત આ જ ગુનામાં દંડની રકમ ડબલ કરવામાં આવી છે. તેમ છતાં રસ્તા પર ચેકિંગ કરનારાઓ અર્થઘટન ખોટું કરી તગડા દંડ ફટકારતા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. ગાંધીધામથી મેહુલ મહેશભાઇ ભાટિયા નામના વાહનચાલક પાસેથી રૂા. 5  હજાર દંડ ભરવા ડોકેટ શીટ પકડાવવામાં આવી હતી. ડોકેટ શીટમાં રીતસર છેક-છાક કરી 500ના બદલે દરેકમાં દંડની રકમ રૂા. 2000 અને એક હજાર કરી પાંચ હજારનું ફરફરિયું પકડાવી દેવામાં આવ્યું હતું. અરજદારે એવી દલીલ કરી છે કે, સરકારે એવી જાહેરાત કરી છે કે, જો આધાર ખિસ્સામાં ન હોય તો 15 દિવસમાં બતાવી જવા અન્યથા દંડ ભરવો અને તેમાંય પી.યુ.સી., હેલ્મેટ માટે 15 ઓક્ટોબર સુધી છૂટછાટ અપાઇ છે, છતાં કોઇ માનવા તૈયાર નથી. આર.ટી.ઓ. તંત્રે નિયમ બનાવ્યો છે તેમાં જે ડોકેટ શીટ તૈયાર કરે તેમાં તેનું નામ, હોદ્દો વગેરે લખવાના હોય છે, છતાં લખવામાં નથી આવતા, વિના વાંકે વાહનચાલકોને કાયદાના નામે ક્યાંક ખંખેરવામાં આવી રહ્યા હોવાની વાત આવતાં આર.ટી.ઓ. અધિકારી દિલીપ યાદવને કરવામાં આવતાં તેઓ પણ ચોંકી ઉઠયા હતા. તેમણે તુરંત આવા કિસ્સાની ખરાઈ કરી કહ્યું હતું કે, સાચી વાત છે ક્યાંક અર્થઘટન કરવામાં ભૂલ કોઇ પાસેથી થતી હશે છતાં  અરજદારોને આવા અનુભવ થાય અને દંડની રકમ ભૂલથી વધારે દર્શાવવામાં આવી હશે તો તે સુધારી દેવામાં આવશે. નવો જ કાયદો છે અને હજારોની સંખ્યામાં તેની અમલવારી કરવાની થતી હોવાથી સ્વભાવિકે ક્યાંક ભૂલ થતી હશે પણ વાહનચાલકોને વિના વાંકે પરેશાન કરવાનો અમારો ઇરાદો નથી તેવું જણાવીને પોતાને પણ અરજદારો સંપર્ક કરી શકે છે એમ કહ્યું હતું.વળી ગાંધીધામ કે કચ્છના દૂરના વિસ્તારમાં દંડની પાવતી અપાય છે. જો અરજદાર પોતે ભરવા આવી નથી શકતા અને એજન્ટને આપે છે તો એજન્ટને રૂા. 500 વધારાના આપવા પડતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. બીજી બાજુ કાયદાની અમલવારી યોગ્ય રીતે થાય છે એ ચકાસવા દરેક કલેક્ટરને સૂચના અપાઇ છે. આ મુદ્દે કચ્છના કલેક્ટર નાગરાજન મહાલિંગમનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે,  સાચી વાત છે નિયમોનું પાલન કરાવવા ક્યાંક લોકોને પરેશાન કરવામાં નથી આવતાને  એ અને વ્યવસ્થા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. જ્યાં પી.યુ.સી. સેન્ટર નથી તે ચાલુ કરાવવા, આરટીઓ તંત્રમાં લાઇનો લાગે છે તે નિવારવા વધારાના સ્ટાફને મૂકવાની વ્યવસ્થા કરવા વગેરે બાબતે પોતે નજર રાખશે એમ કહ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer