ભુજવાસીઓ કાલે શીખશે વડોદરાના યુનાઈટેડ સ્ટાઈલના ગરબા

ભુજ, તા. 20 : નવરાત્રિના પડઘમ વાગી રહ્યા છે અને ભુજના ખેલૈયાઓ પણ ગરબા-દાંડિયા સાથે ઝૂમવા માટે માતાજીની આરાધના માટે થનગની રહ્યા છે ત્યારે આ વખતે રાહગિરિના સંગાથે ભુજવાસીઓને રવિવારે 22મી સપ્ટેમ્બરે વડોદરાના યુનાઈટેડ સ્ટાઈલના ગરબા શીખવાની તક મળશે. સાથે જ સંગીતના શોખીનો માટે પણ નવું નજરાણું રજૂ થશે. કચ્છમિત્રના મીડિયા સપોર્ટ સાથે કાર્યરત રાહગિરિ નવું આપવાની પરંપરા સાથે તા. 22 સપ્ટેમ્બરના સાંજે 5 વાગ્યાથી હોટેલ વિરામ ખાતે રિધમ ધ ડાન્સ કેફેના જાણીતા ગરબા કોરિયોગ્રાફર મનીષ ભાટી અને તેની ટીમ દ્વારા વડોદરાના વિખ્યાત યુનાઈટેડ ગરબાની સ્ટાઈલ ભુજવાસીઓને શીખવશે. ગરબા શોખીનોનો ઉતસાહ વધી ગયો છે અને અત્યાર સુધી મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન થઈ ગયું છે. સૌને બ્લેક એન્ડ બ્લેક કલર સાથે બાંધણી દુપટ્ટાના ડ્રેસકોડ સાથે ઉપસ્થિત રહેવા આયોજકો તરફથી જણાવાયું છે, જેથી ખરેખર યુનાઈટેડ વેનું દૃશ્ય બની રહે. કચ્છના જાણીતા ડ્રમ પ્લેયર સોયમ લાડકા દ્વારા ખાસ તૈયાર કરાયેલા અશ્વત્થામા રિધમ ઈન્સ્ટ્રુમેન્ટ આ વર્કશોપમાં પ્રથમવાર રજૂ થશે. આ ડિઝાઈનના વાજિંત્ર સાથે અગાઉ કોઈએ પરફોર્મ કર્યું નથી. સાત્ત્વિક ગઢવીનો સહયોગ મળ્યો છે. વર્કશોપના અંતે રાહગિરિ દ્વારા રજિસ્ટ્રેશન કરાવીને ત્યાં ભાગ લેનારા દરેકને એન્ટ્રી બેઝ આપવામાં આવશે, જેના પરથી તેઓ હિલગાર્ડન મધ્યે આયોજિત રોટરી વોલસિટી નવરાત્રિમાં તા. 29/9ના પ્રથમ નોરતે પ્રથમ રાઉન્ડ તથા તા. 30/9ના બીજા નોરતે ડ્રીમ્સ ખેલૈયા નવરાત્રિના પ્રથમ રાઉન્ડમાં રમાનારી હરીફાઈમાં ફ્રી એન્ટ્રી મેળવી શકશે અને કોમ્પિટીશનમાં ભાગ લઈ શકશે. વિરામમાં પ્રવેશ કોર્ટ સામેના ભાગથી થશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer