મુંદરામાં સીએફએસના વજન કાંટામાં ગરબડ ?

મુંદરા, તા. 20 : અહીંના બંદર સ્થિત કાર્યરત લાઈનરના સી.એફ.એસ. છેલ્લા લાંબા સમયથી પોતાની મનમાની કરી આયાતકારોને હેરાન કરે છે. તેમના વિરુદ્ધ ન્યાયતંત્ર સમક્ષ સંખ્યાબંધ ફરિયાદ કરવા છતાં સ્થાનિક કસ્ટમ તંત્ર કોઈ પણ કારણસર તેમના વિરુદ્ધ પગલાં લેતું નથી. તાજેતરના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ સ્થિત મઝદા લિમિટેડે પોતાનું સ્ટીલ પાઈપ એલબોનું એક કન્ટેઈનર મુંદરા પોર્ટ ઉપર તેમના કસ્ટમ ક્લીયરિંગ બ્રોકર સી.પી. લોજિસ્ટિકને ક્લીયર કરાવવા દસ્તાવેજો આપ્યા બાદ આ કન્ટેઈનર અત્રેના ઓલ કાર્ગો સી.એફ.એસ.માં આવ્યું, તેનું બિલ તેમના બ્રોકર દ્વારા કસ્ટમ તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવ્યું, જેના નં.4770686,તા. 4/9/19 છે, જેને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે ઓટોમેટિક સિસ્ટમ દ્વારા પાસ કરાવવામાં આવ્યું. ત્યાર બાદ ડયુટી ભરી કન્ટેઈનરના સીલ ચકાસી કાર્ગો લઈ જવાનો હોય, પણ કસ્ટમ તંત્રે જરૂરી દસ્તાવેજો સાથે ઓલ કાર્ગો સી.એફ.એસ.ની વજન પર્ચી માગી જેમાં ઓલ કાર્ગોની વજન 1690 કિલોની સ્લીપ આપવામાં આવી જ્યારે મઝદા લિમિટેડે તેના બિલ ઓફ સેન્ટીમાં વજન 1588 કિલો હોવાનું દર્શાવ્યું હતું. ડયુટી વજન ઉપર હોવાથી વધારાના વજન 103 કિલ્લો ઉપર પેનલ્ટી-ડયુટી વગેરેનો હિસાબ કરી રૂા. 73,755  ભરાવ્યા. કસ્ટમ તંત્રની આ ડયુટી પેનલ્ટી આયાતકાર પાર્ટીએ ભરી નાખી પણ જ્યારે કાર્ગો આયાતકાર પાર્ટીને સોંપવામાં આવ્યો ત્યારે તેનું વજન 1590 કિલો  જ હતું. ટૂંકમાં ઓલ કાર્ગો સી.એફ.એસ.ના વજન કાંટાની ગડબડીના કારણે મઝદા કંપનીને વધારાના રૂા. 48,755 ભરવા પડયા. ઉપરાંત ડેમરેજ શિપિંગ લાઈનરને વધારાની રકમ ચૂકવવી પડી અને 15 દિવસ સુધી કાર્ગો અટકેલો પડયો રહ્યો. `કચ્છમિત્ર' સમક્ષ અનેક આયાત નિકાસકારો અને કસ્ટમ બ્રોકરોએ સી.એફ.એસ.ના વે-બ્રિજ વિરુદ્ધ ફરિયાદો કરી છે. સૂત્રો એવો આક્ષેપ કરે છે કે કસ્ટમ તંત્ર દ્વારા સી.એફ.એસ. વિરુદ્ધ પગલાં લેવામાં નથી આવતાં તેની પાછળ વ્યવહાર તો કારણભૂત નથી ને ? ગયા પખવાડિયે કસ્ટમ કમિશનર સંજય અગ્રવાલ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારના સ્પેશિયલ સેક્રેટરી લોજિસ્ટિક અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સને પણ ફરિયાદ થઈ છે. ટ્રેડ સાથે સંકળાયેલા સૂત્રો એવો આક્ષેપ કરે છે કે, કસ્ટમ બ્રોકરની કે આયાત નિકાસકારની ભૂલ હોય તો સીધું લાયસન્સ જ સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે, તો સી.એફ.એસ. વિરુદ્ધ કસ્ટમ તંત્ર કાર્યવાહી શા માટે નથી કરતું? ગઈકાલે મુંદરા કસ્ટમમાં કસ્ટમ-કસ્ટમ બ્રોકર શિપિંગ લાઈન સી.એફ.એસ. વચ્ચે પી.જી.સી. બિલ્ડિંગમાં મિટિંગ મળી હતી, જેમાં પણ સી.એફ.એસ.ના મુદાઓ આવતાં જવાબદાર અધિકારીઓએ તમે ઉપર રજૂઆત કરો તેવો ઉડાઉ જવાબ આપી દીધો હતો. ચોક્કસ સી.એફ.એસ.માં ઈરાદાપૂર્વકની ગેરરીતિ-સેટિંગના બનાવો બહાર આવ્યા હતા. સરકારને રેવેન્યુ આવકનો કરોડો રૂા.નો ચૂનો લગાડવામાં આવ્યો હતો. ટ્રેડના સૂત્રો જણાવે છે કે, જો કસ્ટમ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો પ્રજાને ખંખેરી વિદેશી ફંડ લઈ જતા ચોક્કસ સી.એફ.એસ. ઉપર લગામ મૂકવામાં આવે. સી.એફ.એસ.ના વે-બ્રિજની સરકાર માન્ય એજન્સીઓ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ચકાસણી થાય તો આયાત-નિકાસકારોને કારણ વગરનો આર્થિક ફટકો લાગતાં બચાવી શકાય. લાઈનર સાથે સંકળાયેલા સી.એફ.એસ. સત્તાવાળા ઉપર કસ્ટમ તંત્ર પગલાં લે એવી ટ્રેડના લોકોની માગણી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer