પાંચ સૌરાષ્ટ્રીને `ફૂલછાબ એવોર્ડ'' જાહેર

રાજકોટ, તા. 20 : પ્રજાભિમુખ પત્રકારત્વની વિચારધારા ફૂલછાબના 99મા જન્મદિને બીજી ઓક્ટોબરે સમાજના વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનારા પાંચ સૌરાષ્ટ્રવાસીઓનું મોરારિબાપુના હસ્તે રાજકોટના હેમુગઢવી ઓડિટોરિયમમાં સન્માન કરવામાં આવશે. સમાજસેવા, સાહિત્ય-કલા, રમત ગમત, કૃષિ અને ઉદ્યોગ એમ પાંચ ક્ષેત્રમાં પ્રદાન કરનારા વ્યક્તિવિશેષોનું સતત આઠ વર્ષથી સન્માન કરવામાં આવે છે અને આ વખતે નવમા વર્ષે પણ બહુમાન કરવામાં આવશે. આ વખતે જ્યુરી પેનલે વ્યક્તિ વિશેષોની પસંદગી કરી છે જેમાં સમાજ સેવા માટે રાજકોટના અનુપમભાઈ દોશી, કૃષિ-પર્યાવરણ માટે બગસરાના સુડાવડ ગામના ખેડૂત કિરીટભાઈ આસોદરીયા, ઉદ્યોગ માટે રાજકોટના બાન લેબ્સના એમ.ડી. મૌલેશભાઈ પટેલ, કલા માટે રાજકોટના કાંતિભાઈ સોનછત્રા અને રમત ગમત માટે ભાવનગરના ઉગતા યુવા ક્રિકેટર  હાર્વિક દેસાઈનો સમાવેશ થાય છે. દર વર્ષે ફૂલછાબની પરંપરા મુજબ અખબારમાં જ એવોર્ડ માટેની અરજી મગાવવામાં આવતી હતી અને તેના આધારે એવોર્ડ સમિતિ પાંચ વ્યક્તિ વિશેષની ફૂલછાબ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતી હતી. આ વખતે દરેક ક્ષેત્ર માટે જ્યુરી પેનલ બનાવવામાં આવી હતી અને આ પેનલ દ્વારા જ સન્માનિત વ્યક્તિઓની પસંદગી થઈ હતી. તા.2 ઓક્ટોબરે સાંજે પ:30 કલાકે રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરીયમમાં મોરારિબાપુની પાવક ઉપસ્થિતિમાં પાંચેય સૌરાષ્ટ્રીઓના પોંખણા કરવામાં આવશે. આ ગરિમાપૂર્ણ સમારોહના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન દામજીભાઈ શાહ, અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અતુલભાઈ જોશી, જન્મભૂમિ જૂથના મેનેજિંગ એડિટર અને સીઈઓ કુન્દનભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer