કંડલામાં રસ્તો કાઢવાના મુદ્દે પિતા-પુત્ર ઉપર થયો હુમલો

ગાંધીધામ, તા. 20 : કંડલામાં મીઠાના પ્લોટની બાજુમાં માર્ગ કાઢવાના મુદ્દે બે શખ્સે પિતા-પુત્ર?ઉપર હુમલો કર્યો હતો. તો બીજી બાજુ ગાંધીધામમાં ચા જલ્દી આપવાનું કહેતાં બે શખ્સે એક યુવાનને માર માર્યો હતો. ઝીરો પોઇન્ટથી કંડલા આવતા માર્ગ ઉપર પુલિયા નજીક ભવાની સોલ્ટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો. મીઠાના પ્લોટની બાજુમાંથી રસ્તો કાઢવાના મુદ્દે બાબુ વેલા ડાંગર અને રવિ બાબુ?ડાંગર નામના શખ્સ ઉશ્કેરાઇ ગયા હતા. તેઓ પાઇપ તથા ધોકો લઇને આ બનાવના ફરિયાદી એવા સામજી કાના આહીર (મરંડ) પાસે ગયા હતા, જ્યાં આ શખ્સોએ ઝપાઝપી કરતાં ફરિયાદી તથા તેના દીકરા કુણાલને ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ ગાંધીધામના ગાંધી માર્કેટમાં આવેલી સોનલ ટી હાઉસ નામની દુકાનમાં મારામારીનો બનાવ બન્યો હતો. સુંદરપુરીમાં રહેનારા મનોજ ઉર્ફે પ્રકાશ?ઉર્ફે પકાડો કાનજી માતંગ (મહેશ્વરી) આ દુકાનમાં ચા પીવા ગયો હતો. તેણે પોતાને મોડું થતું હોવાનું કહી જલ્દી ચા આપવાનું કહ્યું હતું. જેથી મનોજ ગઢવી નામના શખ્સે તેને જાતઅપમાનિત શબ્દો કહ્યા હતા, જેની આ યુવાને ના પાડતાં ઉશ્કેરાયેલા દુકાનદારે યુવાનને લાફા ઝીંકી દીધા હતા અને દુકાનમાં કામ કરનારા શખ્સે ધોકા વડે માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ?ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer