ભુજના દબાણકારો સાવધાન,તંત્ર સજ્જ બની રહ્યું છે

ભુજ, તા. 20 : શહેરમાં ટૂંક સમયમાં ફરી દબાણો દૂર કરવા આયોજન ઘડી કઢાયું છે. આગામી સોમવારથી દુકાન બહારના છજ્જા, ટ્રાફિકને નડતરરૂપ લારી-ગલ્લાં સહિતનાં દબાણો દૂર કરાશે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે ભુજમાં ધારાસભ્ય નીમાબેન આચાર્ય, નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, મુખ્ય અધિકારી નીતિન બોડાત, પ્રાંત, મામલતદાર, પોલીસવડા, સિટી સર્વે, ભાડા, ટ્રાફિક પોલીસ સહિત તંત્રના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં શહેરમાં વધતાં જતાં દબાણોને દૂર કરી રાહદારીઓ, વાહનચાલકોની સમસ્યા નિવારવા સોમવારથી વેપારી સહિતના દબાણકારોને નોટિસ અપાશે અને તેની સમય મર્યાદા પૂર્ણ થતાં ધોંસ બોલાવવા નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઇ ધંધાર્થીની રોજીરોટી ન છીનવાય તે માટે તેને યોગ્ય જગ્યા ફાળવવા પણ આયોજન ઘડાઇ રહ્યું છે, જેમાં શહેરમાં હોકર્સ ઝોન માટે જગ્યાનો સર્વે કરાઇ રહ્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. એક તરફ રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા નગરપાલિકાએ વ્યાયામ આદર્યો છે અને બીજી તરફ દબાણો હટાવવા તંત્ર મક્કમ બની રહ્યું હોવાથી શહેરીજનોની સમસ્યાઓ દૂર થશે તેવી આશાનો સંચાર થયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer