કોટાયના યુવકની હત્યાના આરોપીઓના જામીન રદ કરાવવા હવે કાયદાનો જંગ

ભુજ, તા. 20 : તાલુકાના કોટાય ગામના જયદીપ મનજી ગરવા નામના અનુ.જાતિના યુવાનની હત્યા થવાના કેસમાં ભુજના મુઝાદિહ અલીમામદ હિંગોરજાને અપાયેલા જામીન અદાલત દ્વારા રદ કરાયા બાદ આ કેસના અન્ય તહોમતદારોના જામીન પણ રદ કરાવવા માટે ભોગ બનનારના પરિવાર અને પોલીસે સાથે મળીને કાયદાકીય જંગ આરંભ્યો છે. આ મામલો અત્યારે રાજયની વડી અદાલતમાં પહોંચ્યો છે.  મે-2018માં બનેલા આ ચકચારી ખૂનકેસમાં કુલ્લ 11 આરોપી સામે ગુનો દાખલ થયા બાદ આ તમામની ધરપકડ થઇ હતી. આ પછી આ તહોમતદારોને અન્ય કોઇ ગુનો કરવો નહીં તેના સહિતની શરતોને આધીન જામીન કોર્ટ દ્વારા અપાયા હતા. કોર્ટએ મૂકેલી આ શરતોનો ભંગ થતાં જામીન ઉપર છૂટેલા આરોપીઓના જામીન રદ કરાવવા માટે ફરી કાયદાકીય લડત શરૂ થઇ છે. તાજેતરમાં ભુજના મુજાહિદ હિંગોરજાના જામીન શરતોના ભંગ બદલ પોલીસ દ્વારા રદ કરાવાયા હતા. આ પછી જેની હત્યા થઇ હતી તે યુવાન જયદીપના પિતા મનજીભાઇ વાઘજી ગરવાએ અન્ય આરોપીના જામીન રદ કરવા કાયદાકીય કવાયત હાથ ધરી છે. તેમણે આ બાબતે પોલીસને અરજી-ફરિયાદ આપ્યા બાદ પોલીસે આ મુદે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. તહોમતદારો પૈકીના આસિફ ઇસ્માઇલ ચાકી, નિઝામ ઉર્ફે નિરાજીઓ અબ્દુલ્લગની મોગલ અને સોહિલ મહમદશરીફ ટાંકના જામીન રદ કરવા માટે હાઇકોર્ટમાં ધા નાખી છે તેવું સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer