કેનાલનું કામ પૂર્ણ ન થતાં નર્મદાનાં પાણીથી વંચિત

ભુજ, તા. 20 : કચ્છ જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો હોવા છતાં પણ હજુ પણ ઘણા બધા ડેમો-ચેકડેમો અને તળાવો ખાલી રહી ગયા છે. તેને ભરવાનું એકમાત્ર વિકલ્પ નર્મદાનાં નીર છે. અત્યારે સરદાર સરોવર તેની ઐતિહાસિક સપાટી-135 મી. ઉપર વહી રહ્યો છે, પરંતુ કમનસીબે આપણા જિલ્લામાં નર્મદા બ્રાન્ચ કેનાલ અને વધારાનાં પાણી માટેની કેનાલોનું કામ પૂર્ણ થતું નથી, એ બાબતે કિસાન સંઘે અફસોસ વ્યક્ત કર્યો હતો. જે કામો બાકી છે તે તત્કાળ પૂર્ણ કરવામાં આવે અને ઝડપથી તેમાં પાણી આવે તો કચ્છ ખેતી ક્ષેત્રે, બાગાયત ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે કોઈથી પાછળ નહીં રહે અને સરહદો ઉપરથી પલાયન બંધ થાય તેમાં આપણું અને આપણા રાષ્ટ્રનું હિત સમાયેલું છે, તેવું કલેક્ટરને લખેલા પત્રમાં કિસાન સંઘના સંયોજક વિરમભાઈ ગઢવી તથા મુંદરાના પ્રમુખ નારાણભાઈ આહીરે જણાવ્યું હતું. ગત વર્ષે એટલે કે વર્ષ 2018માં દુષ્કાળની પરિસ્થિતિ હતી અને સરકાર દ્વારા પણ અછત જાહેર કરવામાં આવી હતી. પરંતુ અમુક ચૂકવણાને બાદ કરતાં અત્યારે લગભગ 28000 ખેડૂતોનાં ચૂકવણાં બાકી રહી ગયાં છે. કચ્છના નાયબ ખેતી નિયામક દ્વારા ખેતી નિયામક ગુજરાત સરકારને વારંવાર પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે, કપાસ, એરંડા અને અન્ય પાકોનો તેમજ પેનલ્ટી સહિત લગભગ 87થી 88 કરોડ રૂપિયા અત્યાર સુધી કચ્છના ખેડૂતોના બાકી છે. જેમાં વીમા કંપની ચૂકવવામાં વિલંબ કરી રહી છે અને તેને પૂછતાં તે વારંવાર એવું જણાવે છે કે, સરકાર મંજૂરી આપે તો અમે તરત જ ચૂકવણી કરી દઈએ. તો આ બાબતે પણ ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને તેમના હક્કના રૂપિયા તુરંત ચૂકવવામાં આવે તેવી માંગ પત્રમાં કરવામાં આવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer