બંદર અને ગોદી કામદારોને બોનસ ચૂકવવા આદેશ તરતમાં

ગાંધીધામ, તા. 20 : કેન્દ્રના શિપિંગ મંત્રાલય દ્વારા મહાબંદરો ઉપર કામ કરતા ગોદી  કામદારોને બોનસ આપવાની દરખાસ્ત મંત્રાલય સુધી પહોંચાડી દેવામાં આવી છે. આ સમાચારથી પોર્ટ કર્મચારીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. આ અંગે મળતી વિગતો મુજબ પાંચેય મહાસંઘો સાથે થયેલા કરાર મુજબ ઈન્ડિયન પોર્ટ એસોસીએશન દ્વારા શિપિંગ મંત્રીની મંજૂરી માટેનો પ્રસ્તાવ કેન્દ્રીય શિપિંગ મંત્રી  મનસુખ માંડવિયા સમક્ષ મુકાયો હતો. દીનદયાળ પોર્ટના અંદાજે 2500થી વધુ કર્મચારીઓ-કામદારોને ગત વર્ષની બોનસની ફોર્મ્યુલા પ્રમાણે રૂ.16 હજાર ચૂકવવામાં આવશે. કંડલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ મોહન કે. આસવાણીએ ડી.પી.ટી અધ્યક્ષને પત્ર પાઠવી બોનસની ચૂકવણી દિવાળીના તહેવારો પૂર્વે કરવા  અનુરોધ કર્યો હોવાનું યુનિયનના ઉપપ્રમુખ કિરીટ ધોળકિયાએ જણાવ્યૃં  હતું.  દરમ્યાન ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન એચ.એમ.એસ. કંડલાના મહામંત્રી મનોહર બેલાણીએ આઈ.પી.એ. દ્વારા બોનસ અંગેની દરખાસ્ત મૂકી દેવામાં આવી છે.આજે ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મોહમદ હનીફે કોચીન ખાતે શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા સમક્ષ બોનસ મામલે રજૂઆત કરી હતી. શિપિંગ મંત્રીએ આવતીકાલે આ દરખાસ્તને મંજૂરી આપવાની ખાતરી આપી હતી. જેથી બોનસ ચૂકવણી અંગેનો ઓર્ડર સોમવારે બહાર પડી  જશે તેવું શ્રી બેલાણીએ ઉમેર્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer