ઈપીએસ 95 પેન્શનરોની કેન્દ્ર સરકારને જેલ ભરોની ચીમકી

માધાપર (તા. ભુજ), તા. 20 : ઈપીએસ 95 યોજનાના પેન્શનરોની ભાવનગરમાં મૌન મહારેલી યોજાઈ હતી. બાદમાં વડાપ્રધાનના નામ જોગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. જેમાં એનએસી-બુલઢાણાના અધ્યક્ષે આપેલા પત્રની સમય મર્યાદામાં ભારત સરકાર દ્વારા નિર્ણય નહીં લેવાય તો દિલ્હીમાં તા. 4થી 7 ડિસે. સુધી રસ્તા રોકો, જેલ ભરો આંદોલન કરાશે. જેમાં ગુજરાતમાંથી હજારો ઈપીએસ 95 યોજનાના પેન્શનરોએ જોડાવા સંકલ્પ કર્યો હોવાની ચીમકી અપાઈ હતી. માધાપરની ગુજરાત ડેરી વિકાસ નિગમની ઈપીએસ 95 યોજના પેન્શનર લડત સમિતિના જણાવ્યા મુજબ કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ બોર્ડ, નિગમો, નોંધાયેલી કંપનીઓ, જે તે વિસ્તારમાં ઔદ્યોગિક સંસ્થાઓ, સહકારી બેંકો, દૂધ સંઘો, ટ્રસ્ટો, પ્રેસ, ભારત પેટ્રોલિય, ઈફ્કો, ફીટર ઝોન, એકસલ કંપની, વેજિટેબલ પ્રોડક્ટસ તથા અન્ય કંપનીઓ, સંસ્થાઓના પેન્શનરોને ઓછા દરે પેન્શન મળી રહ્યા છે. તેમાં વધારો થાય તેવા હેતુથી છેલ્લા ત્રણ વરસથી ભારત સરકારને રાષ્ટ્રીય આંદોલન સમિતિ, બુલઢાણા, મહારાષ્ટ્રના અધ્યક્ષ શ્રી રાઉત અને સમિતિની ટીમ ભારતના 65 લાખ કરતાં વધુ પેન્શનરોના પેન્શનમાં વધારો કરવામાં આવે તેવા હેતુથી મહેનત કરી રહ્યા છે. આ સમિતિની કાર્યવાહીના ભાગરૂપે ભાવનગરમાં તા. 12/9ના મૌન મહારેલી યોજાઈ હતી. જેમાં ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી 2000 કરતાં વધુ સંખ્યામાં પેન્શનરો જોડાયા હતા. વધુ વિગત માટે 74050 74086નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer