તોરણિયાની જમીનની નોંધ વિશે સાડા પાંચ દાયકે થયેલી રિવિઝન દાખલ પાત્ર ન હોવાનો ચુકાદો

ભુજ, તા. 20 : ભચાઉ તાલુકાના તોરણિયા ગામે આવેલી ખેતીની જમીનની થયેલી પ્રમોલગેશન નોંધને 58 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ પડકારવાના ઊભા થયેલા કેસમાં દાખલ કરાયેલી રિવિઝન અરજી દાખલ થવા પાત્ર ન હોવાનો ચુકાદો જિલ્લા કલેકટરે આપ્યો હતો. તો ભુજમાં ગોલ્ડન પેલેસ એપાર્ટમેન્ટ ખાતે આવવા અને જવા માટેના રસ્તા માટે દુકાનમાલિક દ્વારા કરાયેલો મનાઇહુકમનો દાવો અદાલતે નામંજૂર કર્યો હતો.તોરણિયાના કિસ્સામાં અરજદાર પેસ્તોનજી અરદેસર ભુજવાલાએ એવી રિવિઝન અરજી કરી હતી કે સામાવાળાના વડીલોએ માત્ર મોઢાના કરારના આધારે વાદગ્રસ્ત નોંધ કરાવી હતી. જિલ્લા કલેકટર સમક્ષ આ મામલે થયેલી સુનાવણીમાં 58 વર્ષ પછી આ મુદો ઉઠાવાયો હોવાથી તે નિયમોનુસાર ચલાવવાના પાત્ર નથી તેવું તારણ આપી રિવિઝન અરજી દાખલ કરી શકાય નહીં તેવો ચુકાદો અપાયો હતો. આ કેસમાં સામાવાળા મુકેશ કાનજીભાઇ ગડા તરફે વકીલ તરીકે વિવેકાસિંહ આર. જાડેજા, પ્રભુલાલ એ. રબારી, પ્રવીણાસિંહ એમ.જાડેજા રહ્યા હતા.બીજીબાજુ ભુજમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરી સામે આવેલા ગોલ્ડન પેલેસ એપાર્ટમેન્ટમાં ભોંયતળિયે દુકાન ધરાવતા વાસંતીબેન ઘનશ્યામ ઠકકર, ઘનશ્યામ હીરજી ઠકકર અને વિપુલ ઘનશ્યામ ઠકકર દ્વારા બેઝમેન્ટના ભાગેથી અવરજવર માટેના રસ્તા માટે કરાયેલા દાવાને નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો. પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ આર.વી. મંદાણીએ આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ગોલ્ડન પેલેસ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી જે.આર. મહેતા રહ્યા હતા. - લાયજા ખૂનકેસમાં જામીન  : માંડવી તાલુકાના મોટા લાયજા ગામના વાડી વિસ્તારના રહેવાસી નિતેશ બાબુલાલ કોરવાડિયા (ઉ.વ.21)ની હત્યાના કેસમાં આરોપી રમેશ કરશન પટ્ટણીને શરતોને આધિન જામીન ઉપર મુકત કરાયો હતો. ભુજ અધિક સેશન્શ જજની અદાલતે આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે હિતેન્દ્રાસિંહ બી. વાઘેલા, જી.જે. સોઢા, ડી.એલ.જાડેજા રહ્યા હતા. - માર માર્યાની રિવિઝન મંજૂર  : મુંદરા તાલુકામાં ધ્રબ ગામની સીમમાં ખાનગી ખેતરમાં થાંભલા ખોડવા બાબતની તકરારમાં ચોકીદાર અબ્દુલ્લ કાદર તુર્કને માર મારવાના કેસમાં મુંદરા અદાણી બંદરના કર્મચારીઓ સામે થયેલી રિવિઝન અરજીને અદાલત દ્વારા મંજૂર કરાઇ હતી. આ કેસમાં અરજદારના વકીલ તરીકે મજીદ એલ. મણિયાર સાથે નિઝાર એમ.ભાભવાણી અને આસિફ સી. માંજોઠી રહ્યા હતા. - ફરિયાદ નામંજૂર કરતો આદેશ  : બેન્ક ઓફ ઇન્ડીઆની માધાપર શાખા અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ભારત એજન્સી દ્વારા કરાયેલી ફરિયાદ ફોરમે નામંજૂર કરી હતી. ગોદામમાં થયેલી નુકસાનીનું વળતર મેળવવા માટે અરજદાર હકદાર ન હોવાનું તારણ આપી આ ચુકાદો અપાયો હતો. આ કેસમાં બેન્ક વતી વકીલ તરીકે પ્રદીપ ગોરજી અને વીમા કંપની વતી વકીલ તરીકે અલ્પેશ સલાટ રહ્યા હતા. - મનાઇહુકમ માટેનો દાવો રદ  : ભુજમાં કંસારા બજાર સ્થિત હવેલી ફળિયામાં આવેલા મકાનની આથમણી દીવાલના ઉપયોગ ન કરવા બાબતે કૈલાસ શંકરભાઇ બુદ્ધભટ્ટીએ મુકતાબેન રમણીકલાલ બુદ્ધભટ્ટી વગેરે સામે કરાયેલા કાયમી મનાઇહુકમ મળવા સહિતના દાવાને ભુજના સિનિયર સિવિલ જજ દ્વારા નામંજૂર કરાયો હતો. આ કેસમાં પ્રતિવાદીના વકીલ તરીકે પ્રદીપ ગોરજી રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer