વાગડમાં ફરી ત્રણ લાખની તસ્કરીથી ચકચાર

ગાંધીધામ,તા. 20 : રાપર તાલુકાના જદુપર ભંગેરા ગામની સીમમાં આવેલા ગેટકોના થાંભલામાંથી રૂા. 1,20,000ના એંગલ, નટબોલ્ટની કોઈ શખ્સોએ ચોરી કરી હતી. તો બીજી બાજુ સામખિયાળીમાં રૂા. 1,80,00ની બોલેરોની કોઈ શખ્સો ચોરી કરી નાસી ગયા હતા. જદુપર ભંગેરા ગામની સીમમાં મોડાથી માખેલ લાઈનનો ગેટકોનો  વીજ થાંભલો આવેલો છે. અહીં આવેલા અનેક થાંભલા પૈકી નંબર 36/0 માંથી ચોરીનો બનાવ ગત તા. 2/7 પહેલા ગમે ત્યારે બન્યો હતો. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ થાંભલાને તસ્કરોએ આડો પાડી ઉપરના ભાગના જુદા જુદા એંગલ તથા નટબોલ્ટ એમ રૂા. 1,20,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા.  65.કે.વી. વીજ લાઈનના આ થાંભલા પરથી થયેલી ચોરીના આ બનાવ અંગે મુકેશ જશા કાતરિયા (આહીર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અઢી મહિના અગાઉ થયેલી ચોરીનો આ બનાવ હાલમાં પોલીસ ચોપડે નોંધાતા અનેકર્તક વિતર્ક વહેતા થયા હતા. બીજીબાજુ સામખિયાળીમાં પ્રજાપતિ સમાજવાડી નજીક આવેલા વિશાલનગરમાં ચોરીનો બનાવ બન્યો હતો. અહીં રહેતા અમિતકુમાર સુરેશ સાધુએ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ યુવાને પોતાના ઘર પાસે બોલેરો ગાડી નંબર જીજે 10 એસી 0633 કિં. રૂા. 1,80,000 વાળી પાર્ક કરી રાખી હતી. દરમ્યાન નિશાચરોએ ગમે તે રીતે આ વાહન ચાલુ કરી તેની તફડંચી કરીને નાસી ગયા હતા. ગત તા. 18/9 થી 19/9 દરમ્યાન બનેલા આ બનાવ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer