ગાંધીધામમાં ચોરાઉ મનાતા 10 મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 20 : શહેરના ભારતનગર પાછળ રેલવે પાટા સમાંતર ઝૂંપડપટ્ટી નજીકથી પોલીસે એક ઈસમની અટક કરી તેની પાસેથી આધાર પુરાવા વગરના અને ચોરાઉ મનાતા રૂા. 52,500ના મોબાઈલ હસ્તગત કરવામાં આવ્યા હતા. ભારતનગર પછવાડે રેલવે ટ્રેક સમાંતર આવેલી ઝૂપંડપટ્ટી નજીકથી પસાર થતા ઈમરાન ઈશાક છરેચા નામના ઈસમને પોલીસે રોકવ્યો હતો. તેની તલાશી લેવાતાં તેની પાસેથી રૂા. 52,500ના 10 મોબાઈલ મળી આવ્યા હતા. આ મોબાઈલના આધાર-પુરાવા મગાતાં તેના કોઈ આધાર આ ઈસમ આપી શક્યો ન હતો. આ મોબાઈલ ચોરાઉ હોવાનું માનીને પોલીસે આ ઈસમની અટક કરી હતી. તાજેતરમાં યક્ષના મેળામાં 12 મોબાઈલ સાથે બે ઈસમો કાયદાના સકંજામાં આવ્યા હતા. લગભગ તમામ પોલીસ મથકોએ મોબાઈલ ચોરી અને ગુમ થયા અંગે દરરોજ ફરિયાદો આવે છે. આવા ગુમ કે ચોરી થયેલા મોબાઈલને પોલીસ ટ્રેસમાં મૂકતી હોય છે. પરંતુ આ ક્ષેત્રમાં પોલીસને આશ્ચર્યજનક રીતે વૈજ્ઞાનિક ઢબે મોટા ભાગે કોઈ સફળતા મળતી નથી. સેંકડો મોબાઈલ ચોરી અને ગુમ થઈ રહ્યા છે. પરંતુ ગમે તે કારણે પોલીસને અમુક જ બનાવોમાં સફળતા મળે છે. બાકી સેંકડો બનાવો વણઉકેલ્યા જ પડયા રહે છે. આવા મોબાઈલ શોધી લેવાય તો વધુ ચોરીના બનાવો પરથી પડદો ઊંચકાય તેવું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer